Gujarat

વાસણામાં વૃદ્ધ પિતાનું ઘર ખાલી કરવા પુત્ર-પુત્રવધૂને કોર્ટનો આદેશ

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા પોતાના મકાનમાંથી પુત્ર અને પુત્રવધૂને ખાલી કરાવવા માટે એક વૃદ્ધે 13 વર્ષ લાંબી કાનૂની લડાઈ લડી હતી અને કોર્ટે આ દંપતીને ઘર ખાલી કરવા માટે 90 દિવસનો સમય આપ્યો છે.

પતિ-પત્ની બે અલગ-અલગ રૂમમાં રહેતા હતા આ કેસમાં એક પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કોર્ટના નિર્દેશો માંગ્યા હતા, જેમના લગ્ન 2002માં થયા હતા. તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા અને પિતા પહેલા માળે રહેતા હતા. દંપતી વચ્ચે વૈવાહિક સમસ્યાઓ હતી અને તેઓ બે અલગ-અલગ રૂમમાં રહેવા લાગ્યા હતા. પતિએ છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો છે.

વર્ષ 2013માં પિતાએ પોતાના પુત્ર અને પુત્રવધૂને ઘર ખાલી કરાવવાની માંગણી કરતી સિવિલ અરજી કોર્ટમાં કરી હતી. જેમાં તેમણે દલીલ કરી હતી કે આ ઘર 1980ના દાયકામાં તેમની પોતાની કમાણીમાંથી ખરીદવામાં આવ્યું હતું અને તેઓ તેના એકમાત્ર માલિક રહ્યા છે.

બંનેના સતત ઝઘડાથી વૃદ્ધના સ્વર્ગસ્થ પત્ની દુઃખી હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પુત્ર અને પુત્રવધૂ વચ્ચેના સતત ઝઘડાઓને કારણે અવારનવાર થતા કલેશ અને ધમકીઓએ તેમને અને તેમના સ્વર્ગસ્થ પત્નીને અશાંત કરી મૂક્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુત્ર અને પુત્રવધૂએ ઘરમાં હકનો દાવો કર્યો હતો અને વિનંતીઓ કરવા છતાં બહાર જવાનો ઇનકાર કર્યો હતો.