જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નીકાવા ગામે રહેતા ખેડૂત પરેશભાઈ સોજીત્રા સાથે 20 લાખ રૂપિયાની લોન આપવાના બહાને 14 વીઘા જમીન પચાવી પાડવાની ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે. વ્યાજખોરોએ જમીન પરત આપવા માટે ખેડૂત પાસેથી 1.25 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા સહિત 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
વ્યાજે લોન આપવાના બહાને ઠગાઈ આરોપીઓએ ખેડૂત પરેશભાઈને 2.5% માસિક વ્યાજના દરે લોન આપવાની લાલચ આપી હતી. નાણાંની લેવડદેવડ દરમિયાન આરોપીઓએ ખેડૂત પાસેથી કોરા ચેક અને જમીનના કાગળો મેળવી લીધા હતા. આરોપીઓએ માત્ર 15.20 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી. સાદા લખાણની આડમાં આરોપીઓએ ખેડૂતની 14 વીઘા જમીન વાઘુ વીરા ડાંગરના નામે કરાવી લીધી હતી
જમીન પરત મેળવવા કરોડની ખંડણી જ્યારે ખેડૂતે પોતાની જમીન પરત માંગી ત્યારે આરોપીઓએ જમીન ખાલી કરવા માટે ₹3 કરોડની ભારે ખંડણી માંગી હતી. આખરે ખેડૂતે મજબૂર થઈને પોતાની જમીન પરત મેળવવા માટે ₹1.25 કરોડ ચૂકવવા પડ્યા હતા. આ મોટી રકમ ચૂકવવા માટે ખેડૂતે પોતાની 9 વીઘા જમીન પણ વેચવી પડી હતી. ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરી દેતાં આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

