જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ અને માનવતાને શરમમાં નાખતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરું ન કરવા બદલ સંચાલકો દ્વારા અમાનવીય અને ઘાતકી સજા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ક્લાસિસના સંચાલક સંગીતા જાદવ અને અન્ય શિક્ષક હાર્દિક કુવાડિયા દ્વારા વિદ્યાર્થીને બે-ત્રણ પ્રશ્નો બાકી રહી જવાના સામાન્ય કારણસર આશરે 300 જેટલી લાંબી અને પીડાદાયક ઉઠક બેઠકો કરાવવામાં આવી હતી.
આટલું જ નહીં, ડરાવવા માટે સંચાલકાએ હાથમાં પાછળ વાયર પણ રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભારે શારીરિક ત્રાસના કારણે વિદ્યાર્થીની તબિયત અચાનક જ ખૂબ જ લથડી ગઈ હતી. તેને ચાલવામાં અને બેસવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી તથા પેટમાં સતત વોમેટિંગ જેવી ફરિયાદો થવા પામી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો દ્વારા તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ અને સીટી સ્કેન કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અતિશય ઉઠક બેઠકો કરવાના કારણે વિદ્યાર્થીના શરીરની ક્ષમતા પર વિપરીત અસર પડી છે અને તેની કિડની તથા લિવર પર અંદાજે 80 ટકા જેટલો ગંભીર સોજો આવી ગયો છે અને તે ડેમેજ થયા છે. તબિયત અત્યંત નાજુક બનતા તેને શરૂઆતના બે દિવસ સુધી આઈસીયુ ઇમરજન્સી વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી હતી, અને હાલ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

