Gujarat

કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન બોટ ચેકિંગ કર્યું

કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા અને તકેદારી વધુ મજબૂત બનાવવાના હેતુથી મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જખૌ સેક્ટરના સમગ્ર દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરવામાં આવતા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવામાં આવી હતી.

DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સીધોડી બીચ, યક્ષ મંદિર, ખીદરત ટાપુ, જખૌ બંદર, ભારતસોલ્ટ અને શિયાળબારી સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો તૈનાત કરીને દરિયામાં અવરજવર કરતી બોટોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મરીન કમાન્ડોએ બોટમાં સવાર લોકો તેમજ તેમની અવરજવર અંગે જરૂરી તપાસ કરી હતી.

કચ્છનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદને અડીને આવેલો હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર મહત્વપૂર્ણ છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ સમયસર ધ્યાને આવે તે માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે પણ મરીન કમાન્ડોએ સંવાદ કરી તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. દરિયામાં અથવા દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ, શંકાસ્પદ હિલચાલ કે શંકાસ્પદ બોટ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માછીમારોને સમજાવવામાં આવ્યા હતા. માછીમારોને દરિયાઈ વિસ્તારમાં સતર્ક રહેવા અને આસપાસની કોઈ અસામાન્ય પ્રવૃત્તિને અવગણના ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી.