Gujarat

ભુજ રેલવે સ્ટેશન પર યુવકની હત્યા, આરોપીની ધરપકડ

ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સ્ટેશન પર ટ્રેન અંગે પૂછપરછ કરનાર પરપ્રાંતિય યુવાનને અન્ય એક યુવકે લોખંડના સળિયા વડે માથાના ભાગે ઘા મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. બનાવને પગલે રેલવે સ્ટેશન પર અચાનક ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ભુજ રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય યુવાને સુરત જતી ટ્રેન ક્યારે ઉપડશે તે અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક યુવક સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. મામલો વધુ ઉગ્ર બનતા આરોપી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લોખંડનો સળિયો લઈ યુવાનના માથામાં જોરદાર ઘા મારી દીધો હતો.

માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાન લોહીલુહાણ હાલતમાં પ્લેટફોર્મ પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઈજા એટલી ગંભીર હતી કે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા યુવકને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.