સાયલા બાર એસોસિયેશન દ્વારા ગુજરાત સરકારના ગુજરાત રેન્ટ એક્ટ સંદર્ભે લેવાયેલા નિર્ણયના વિરોધમાં ઠરાવ કરાયો છે. એસોસિયેશનના જણાવ્યા મુજબ ભાડુઆતોના દાવાઓ હાલ સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ચાલી રહ્યા છે, ત્યારે આ દાવાઓની સુનાવણીની સત્તા ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર તેમજ મામલતદારને આપવાનો નિર્ણય યોગ્ય નથી.
આ બાબતે સાયલા વકીલો દ્વારા સાયલા મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે ન્યાયિક સત્તા ન્યાયાધિશો પાસેથી અન્ય અધિકારીઓને સોંપવામાં આવવાથી પક્ષકારોને યોગ્ય ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેમજ અધિકારીઓ કાયદાના નિષ્ણાત ન હોવાથી ભાડુઆત સંબંધિત કેસોમાં વિવિધ કાયદાકીય પ્રશ્નો ઊભા થઈ શકે છે.
સાયલા બાર એસોસિયેશનના નેમરાજસિંહ વાઘેલા, દિવ્યરાજસિંહ જાડેજા, સુરેશભાઈ મકવાણા, રૂપલબેન શાહ, રસિકભાઈ પુનાણી સહિતના વકીલોએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. વિવિધ બાર એસોસિયેશનો દ્વારા આ નિર્ણય સામે શરૂ કરવામાં આવેલી લડતને પણ સાયલા બાર એસોસિયેશને સમર્થન આપ્યું છે. સાયલા બાર એસોસિયેશન દ્વારા તા. 1થી 3 ઓક્ટોબર સુધી કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે.

