ગુજરાત સરકારે રજૂ કરેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC ) બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંતિમ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ અંગેનું સત્તાવાર ગેઝેટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં હવે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થશે.
આ બાદ ગુજરાત ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનારું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાનો કાયદો વિધાનસભામાં પાસ કરીને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલ્યો હતો. જે બાદ તેને આજે ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મંજૂરી મળી ગઈ છે.
UCC બિલ લાગુ થયા બાદ હવે શું બદલાશે?
UCC બિલ લગ્ન, છૂટાછેડા અને કુટુંબ સંબંધિત બાબતોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. લગ્નની ફરજિયાત નોંધણી તેમજ લિવ-ઇન રિલેશનશિપની પણ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. નોંધણી નહીં કરાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
બળજબરીથી લગ્ન કરવાના કેસમાં ૭ વર્ષ સુધીની સજાની જાેગવાઈ રાખવામાં આવી છે. ઉપરાંત, લગ્ન અને છૂટાછેડાની નોંધણી ૭ દિવસમાં નહીં કરાવાય તો ?૧૦,૦૦૦ સુધીનો દંડ થશે. કોર્ટ બહાર કરવામાં આવેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવા કેસમાં ૩ વર્ષ સુધીની સજાની જાેગવાઈ પણ કરવામાં આવી છે. લિવ-ઇન રિલેશનશિપને કાનૂની સુરક્ષા આપવા કલમ ૩૮૪ હેઠળ તેની નોંધણી ફરજિયાત બનાવાઈ છે.
વિધાનસભામાં UCC બિલ પસાર થયું તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અલગ અલગ ધર્મ અથવા સમુદાય માટે અલગ નિયમો રહી શકે નહીં. બંધારણ જે રીતે દરેકને સમાન રીતે લાગુ પડે છે, એ જ રીતે આ કાયદો પણ સૌ માટે લાગુ પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, કેટલીક પરંપરાઓ, જેમ કે લઘુમતી સમાજમાં કાકાની દીકરી સાથે લગ્ન કરવાની પ્રથા, સમાજની પરંપરા મુજબ ચાલુ રહી શકે છે અને તેમાં કાયદો અવરોધ બનશે નહીં. નારી સન્માનને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા આ બિલ હેઠળ ગુજરાતની દરેક દીકરીને પિતાની સંપત્તિમાં દીકરા જેટલો હક મળશે. સાથે જ “નિકાહ હલાલ” જેવી અમાનવીય પ્રથાઓનો અંત લાવવા પણ આ બિલ મહત્વપૂર્ણ છે.
આદિવાસી સમાજ અંગે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, આ બિલ કોઈપણ રીતે આદિવાસી સમાજને નુકસાન પહોંચાડનારું નથી.
યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરનારું ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બનશે. આ કાયદો લગ્ન પહેલા પરવાનગી લેવાની વાત, જમીનના માલિકી હક અને આંતરજ્ઞાતિય લગ્નો જેવા અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા જગાવી હતી, પરંતુ તેના મુખ્ય મુદ્દાઓ મહિલાઓના અધિકારો અને લિવ-ઈન સંબંધોના બાળકોના કાયદેસરના હકો પર કેન્દ્રિત છે.
રાષ્ટ્રપતિની મંજૂરી અને ગેઝેટ જાહેર થયા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા આ કાયદાનો અમલ કઈ તારીખથી થશે તે અંગે સત્તાવાર જાહેરાત, નોટિફિકેશન અને ગેઝેટ બહાર પાડવામાં આવશે. આ કાયદો ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક નવા અધ્યાયનો પ્રારંભ કરશે.

