Gujarat

પૈસા પડાવવા કૌભાંડની પોસ્ટ વાઇરલ કરી

​પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસના અધિકારીઓને બદનામ કરી નાણાકીય લાભ મેળવવા અને દબાણમાં લાવવાની ઘટના સામે આવી છે. જેમાં રૂ. 4.80 લાખના સત્તાવાર ફર્નિચર રિપેરિંગના વર્ક ઓર્ડરના સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી રૂ. 40 લાખનું બોગસ કૌભાંડ દર્શાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા બે શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

નિયમાનુસાર રૂ. 4.80 લાખનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો પશ્ચિમ રેલવેના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂન 2026 દરમિયાન સાબરમતીથી પાલનપુર રેલવે સેક્શનના સ્ટેશનોના જૂના ફર્નિચરના સમારકામ માટે નિયમાનુસાર રૂ. 4.80 લાખનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં કોઈ નવું ફર્નિચર ખરીદવામાં આવ્યું નહોતું કે કોઈ અધિકારીના વ્યક્તિગત કામ માટે સરકારી પૈસા વપરાયા નહોતા.

‘પૈસા નહીં આપો તો હું તમને બદનામ કરી દઈશ’ આમ છતાં, અવારનવાર અમદાવાદ રેલવે ઓફિસની મુલાકાત લેતા યોગેશ મિશ્રા નામના શખ્સે ગત 12 સપ્ટેમ્બરે આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર યજુશ આચાર્ય પાસે આવી નાણાકીય માંગણી કરી હતી. તેણે ધમકી આપી હતી કે તમે ખોટા બિલો બનાવીને સામગ્રી ખરીદો છો અને તમે સરકારી સામાન અંગત ઉપયોગમાં વાપરો છો જો મને પૈસા નહીં આપો તો હું તમને બદનામ કરી દઈશ.

વર્ક ઓર્ડરમાં છેડછાડ કરી અધિકારીએ તેની ગેરકાયદે માંગણી ન સ્વીકારતા તે ઉશ્કેરાઈને જતો રહ્યો હતો. બાદમાં ​સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ પર બદનક્ષીકારક પોસ્ટ વાયરલ કરી હતી. જેમાં યોગેશ મિશ્રા અને તેના સાથીદાર અંકિત પાંડેએ ષડયંત્ર રચી DRM ઓફિસના સરકારી વર્ક ઓર્ડરમાં છેડછાડ કરી ખોટો હિસાબ બનાવ્યો હતો.