શહેરના ભીમરાડ-કેનાલ રોડ પર અપહરણની એક ઘટનામાં શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાના પુત્ર રીષભ નાહટાએ તેના બે સાગરીતો સાથે મળી એક કોમ્પ્યુટર વેપારીનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસ તપાસ મુજબ આ ઘટનામાં ખંડણી નહીં પરંતુ વેપારીની દીકરી સાથેની મિત્રતા અને ત્યારબાદ યુવતીએ વાતચીત બંધ કરી દેવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી અનુસાર, રીષભ નાહટા અને વેપારીની દીકરી વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા હતી. જાેકે, થોડા સમયથી યુવતીએ રીષભ સાથે વાતચીત અને સંપર્ક બંધ કરી દીધો હતો. આ બાબતે રોષે ભરાયેલો રીષભ તેના બે સાગરીતો સાથે યુવતીના ઘરે પહોંચ્યો હતો. યુવતી ઘરે હાજર ન હોવાથી તેણે તેના પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
બાદમાં રીષભ અને તેના સાગરીતોએ વેપારીને પિસ્તોલ અને ચપ્પુ બતાવી ધમકાવ્યો હતો અને બળજબરીથી બિલ્ડરની માલિકીની કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. ચાલુ કારમાં વેપારીને ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
૧ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૦:૪૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમની ૧૧૨ ઇમરજન્સી વાનને કોલ મળ્યો હતો. ભીમરાડ-કેનાલ રોડ પરથી કેટલાક અજાણ્યા શખ્સો એક વ્યક્તિને પિસ્તોલ અને ચપ્પુ બતાવી બળજબરીથી કારમાં લઇ ગયા હોવાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતાં જ ૧૧૨ના સ્ટાફે અલથાણ પોલીસને જાણ કરી હતી. અલથાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે સિટીલાઇટ વિસ્તારમાંથી રીષભ નાહટા સહિત ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને અપહરણ કરાયેલા વેપારીને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.
પોલીસના હાથે ઝડપાયા બાદ રીષભ નાહટાએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, વેપારીની દીકરીએ તેની એક બહેનપણીને ફોન પર ગાળો આપી હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા માટે તે યુવતીના ઘરે ગયો હતો. યુવતી ઘરે ન મળતાં તેના પિતા સાથે દીકરી સાથે વાત કરાવવાની વાત કરી હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જાેકે, આરોપીના આ નિવેદનની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અપહરણ પાછળના સમગ્ર કારણો તથા ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રીષભ સાથે ઝડપાયેલા દેવ કેતન આહિર, રહે. અડાજણ અને લક્ષ્મણ રાઠોડ, રહે. ઉમરાગામની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ મુજબ દેવ રીષભનો મિત્ર છે અને ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ તેની પાસેથી મળી આવી હતી. જ્યારે લક્ષ્મણ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ બંને સામે અગાઉ મારામારી, અકસ્માત અને દારૂ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ અપહરણ કેસમાં અલથાણ પોલીસે આરોપીઓ પાસેથી બિલ્ડર મુકેશ નાહટાની માલિકીની અંદાજે ૪૦ લાખ રૂપિયાની કાર, એક પિસ્તોલ, એક ચપ્પુ અને ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ ૪૧.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અપહરણના બનાવમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી, આરોપીઓએ અપહરણનું કાવતરું કેવી રીતે ઘડ્યું હતું અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

