દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈજાગ્રસ્ત કે બીમાર પશુ-પક્ષીઓને સમયસર અને ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે કાર્યરત ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ સફળતાપૂર્વક સેવાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ભગીરથ સેવા હેઠળ અત્યાર સુધીમાં કુલ 35,315 પશુઓને ઘટનાસ્થળે જ સમયસર તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે.
ખાસ કરી અકસ્માતમાં ઘાયલ થયેલા, ગંભીર બીમારીથી પીડાતા કે ઈજાગ્રસ્ત પશુઓને સારવાર માટે દૂર સુધી લઈ જવાની જરૂર ન પડે અને તેમને સ્થળ પર જ તાત્કાલિક રાહત મળે તે હેતુથી આ એમ્બ્યુલન્સ સેવા સીધી ઘટનાસ્થળે પહોંચે છે. સમયસર સારવારના કારણે હજારો મૂંગા જીવોના જીવ બચાવી શકાયા છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને હરતાં-ફરતાં પશુ દવાખાનાના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાનના જણાવ્યા અનુસાર, પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સેવા મળી રહે તે માટે જિલ્લામાં 10 ‘હરતાં-ફરતાં પશુ દવાખાનાં’ પણ સફળતાપૂર્વક કાર્યરત છે.
આ મોબાઇલ દવાખાનાં દ્વારા અત્યાર સુધીમાં 2,11,260 પશુઓની સારવાર કરવામાં આવી છે. હરતું-ફરતું પશુ દવાખાનાની સુવિધાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને મોટી રાહત મળી રહી છે. પશુઓને સારવાર માટે દૂરના દવાખાના સુધી લઈ જવાનો સમય, ખર્ચ અને મહેનત બચી રહ્યા છે. સાથે જ કટોકટીના સમયે પશુઓને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળતાં પશુ સેવા ક્ષેત્રે આ વ્યવસ્થા અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

