જામનગર પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી છે. નાઘેડી પાટીયા પાસે કુખ્યાત બુટલેગર રામ ઉર્ફે રામકો મોઢવાડિયાની ગેરકાયદે હોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. તે રૂ. 1.37 કરોડના દારૂ પ્રકરણમાં વોન્ટેડ હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું હતું. LCB PI વી. બી. ચૌધરી અને પંચકોશી ‘બી’ ડિવિઝનના PI વી. જે. રાઠોડ સહિતના અધિકારીઓ હાજર હતા.

થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ટીમે નાઘેડી GIDCમાં દારૂ કટિંગ પર દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. 1.37 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતો. રૂ. 37.21 લાખનો 10,409 બોટલ વિદેશી દારૂ, 5 વાહન, 4 મોબાઈલ અને રોકડ મળી હતી.
દીપક ઉર્ફે અટાપટુ જેઠવાણી અને યુવરાજસિંહ ચુડાસમાની ધરપકડ થઈ હતી. રામકો મોઢવાડિયા સહિત 9 લોકો વોન્ટેડ હતા. તેની સામે પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 111 હેઠળ ગુનો નોંધાયો છે. રામકો મોઢવાડિયા સામે જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પ્રોહિબિશન, મારામારી અને ખંડણી જેવા 49 ગુના નોંધાયેલા છે. પોલીસ ગેરકાયદે મિલકતો સામે કાર્યવાહી ચાલુ રાખશે.

