International

‘દૂરદર્શિતાપૂર્ણ અને શ્રેષ્ઠ નેતૃત્વ‘: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની જનસેવા બદલ વિશ્વના નેતાઓએ કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા તે પ્રસંગે, બુધવારે વિશ્વભરના નેતાઓ તરફથી અભિનંદન સંદેશા મળ્યા હતા; અનેક વૈશ્વિક નેતાઓએ તેમના રાજકીય નેતૃત્વ અને ભારતના વિકાસમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. વિશ્વના નેતાઓએ ભારતના વિકાસમાં મોદીની ભૂમિકા અને વૈશ્વિક મંચ પર દેશની સ્થિતિ મજબૂત કરવાના તેમના પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ સૌપ્રથમ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ મે ૨૦૧૪ સુધી આ પદ પર રહ્યા અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન બન્યા. ત્યારથી, તેમણે સતત ત્રણ કાર્યકાળ સુધી કેન્દ્ર સરકારનું નેતૃત્વ કર્યું છે અને સરકારના વડા તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે.

‘અસાધારણ રાજકીય નેતૃત્વ‘: જાપાનના વડાપ્રધાન તાકાઈચી

જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના વિકાસ તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં દેશના સ્થાનમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

‘ઠ‘ (ટ્વિટર) પર એક પોસ્ટમાં તાકાઈચીએ લખ્યું, “આજે, મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીના કાર્યકાળની ૨૫મી વર્ષગાંઠ પર, હું તેમને હાર્દિક અભિનંદન પાઠવું છું. ઘણા વર્ષોથી તમે ભારતીય સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કર્યા છે, અને ૨૦૦૧થી મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી તમે અસાધારણ રાજકીય નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે. ભારતના વિકાસને આગળ વધારવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેનું સ્થાન ઊંચું લાવવાની તમારી સિદ્ધિઓ બદલ હું તમારા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરું છું.”

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે પીએમ મોદીને સતત સફળતાની શુભેચ્છા પાઠવી

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ બોંગબોંગ માર્કોસે ભારતના લોકોની સેવામાં મોદીને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ‘ઠ‘ પર કહ્યું, “ગુજરાતથી લઈને વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું નેતૃત્વ કરવા સુધીની વડાપ્રધાન મોદીની સફર સુશાસન, નવીનતા, ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને વિકાસ પરના મજબૂત ભાર દ્વારા ચિહ્નિત થયેલી રહી છે, જેણે ભારતના પરિવર્તન અને વૈશ્વિક મંચ પર તેની વધતી જતી ભૂમિકામાં યોગદાન આપ્યું છે.”

આજના યુગના અવતાર: ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે

ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ પીએમ મોદીના નેતૃત્વ અને સેવા વિશે વાત કરતા તેમને “વિષ્ણુના અવતાર” અને “મોટા ભાઈ” તરીકે વર્ણવ્યા હતા. “મેં મારા કાર્યકાળ દરમિયાન તેમના સમર્થન બદલ તેમનો આભાર માન્યો. અને મેં તેમને કહ્યું કે તેઓ હંમેશા મારા મોટા ભાઈ સમાન રહેશે—માત્ર એટલા માટે નહીં કે તેઓ ઉંમરમાં મોટા છે, પરંતુ એટલા માટે કે તેમણે મારી સાથે એવો સ્નેહભાવ રાખ્યો છે જેવો એક મોટો ભાઈ નાના ભાઈ પ્રત્યે રાખે છે,” તેમણે લખ્યું.

“ત્યારબાદ મેં તેમને એક બીજી વાત પણ કહી: હું તેમને વિષ્ણુના અવતાર તરીકે જાેઉં છું. મેં સમજાવ્યું કે આપણા આ વિસ્તારમાં, જ્ઞાની અને પ્રજાહિતકારી શાસકોને લાંબા સમયથી આ રીતે જ જાેવામાં આવે છે,” તેમણે ઉમેર્યું.

બોત્સ્વાનાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીની સમર્પણભાવના અને સેવાકાર્યની પ્રશંસા કરી

બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા ગિડિયન બોકોએ પણ સરકારના વડા તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કરવા બદલ મોદીને અભિનંદન પાઠવ્યા. “અમે ભારતના લોકો પ્રત્યેના તમારા સમર્પણ અને સેવાકાર્યની પ્રશંસા કરીએ છીએ. અમે તમારા ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ અને અમારા દેશો વચ્ચેની કાયમી મિત્રતાને વધુ મજબૂત બનાવવાની આશા રાખીએ છીએ,” તેમણે કહ્યું.

ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે મિત્રતાની સરાહના કરી

 

કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટે કહ્યું, “હું ડોમિનિકા પ્રત્યે તમે જે મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને અમારા લોકો પ્રત્યે જે ઉદારતા દાખવી છે, તે બદલ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું. હું આપણા રાષ્ટ્રો વચ્ચેના સંબંધોનું ખૂબ મહત્વ સમજું છું અને આવનારા વર્ષોમાં તેને વધુ વિકસાવવાની આશા રાખું છું.”

નાઈજીરિયાના રાષ્ટ્રપતિ અને બેલ્જિયમના વડાપ્રધાને વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા

નાઈજીરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુનો એક સત્તાવાર સંદેશ શેર કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકારના વડા તરીકે ૨૫ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. નિવેદનમાં તેમણે કહ્યું, “ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરિયાની સરકાર અને જનતા વતી, તેમજ મારા પોતાના વતી, હું રિપબ્લિક ઓફ ઈન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ ખરેખર ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અને ભ્રાતૃભાવપૂર્ણ અભિનંદન પાઠવું છું. આજે, ૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ, તેમણે ૨૦૦૧માં સરકારના વડા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત પદ સંભાળ્યું તેને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે.”

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને નવી દિલ્હીમાં તેમના નેતૃત્વ સુધી, સરકારમાં ૨૫ વર્ષ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા. “ગુજરાતથી લઈને નવી દિલ્હી સુધી સરકારમાં સતત ૨૫ વર્ષના નેતૃત્વ બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન પાઠવું છું. ગયા મહિને ભારતની મારી ફળદાયી મુલાકાત બાદ, હું આપણા બંને દેશો વચ્ચેની મજબૂત ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છું,” તેમ તેમણે કહ્યું.

સર્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિચનો વડાપ્રધાન મોદીના વખાણ કરતો એક વીડિયો વાયરલ થયો છે. વડાપ્રધાન મોદીના વખાણ કરતા સર્બિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિચે કહ્યું, “તેમણે ભારતને ખૂબ ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. જાે આજે વૈશ્વિક મંચ પર ભારતનું મહત્વ છે, તો તે વડાપ્રધાન મોદીને કારણે છે. તેમણે અદ્ભુત કાર્યો કર્યા છે.”