જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 8 વર્ષની બાળકીની હત્યાના કેસમાં મામા નીતિન ડોસાજી માણેકને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવ્યો. પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ અને ₹50,000નો દંડ કર્યો છે. જામનગરમાં પોક્સો સાથે હત્યાના કેસમાં ફાંસીની સજાની આ પહેલી ઘટના છે.
કેસની વિગતો મુજબ, નીતિન માણેક બાળકી સાથે રહેતો હતો. બાળકી પિતા પાસે જવાની જીદ કરતા અને પેશાબ કરી દેતા તે ગુસ્સે થયો. તેણે ગરમ લોઢી, માચીસની દીવાસળી, ઢીકા-પાટુ અને લોખંડના ધોકા વડે બાળકીને માર માર્યો, પછી 12 જાન્યુઆરી, 2025ના રોજ તેના બંને પગ પકડી માથું દીવાલ સાથે પછાડી હત્યા કરી નાખી હતી.

તપાસની અધિકારી વી.બી. ચૌધરી અને પોલીસ ટીમે માત્ર 35 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. સ્પેશિયલ જજ વી. પી. અગ્રવાલ સમક્ષ 23 સાક્ષી અને 95 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા, જેના આધારે અદાલતે ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાનમાં રાખી BNSની કલમ 103(1) હેઠળ આ ચુકાદો આપ્યો.

