ગાંધીનગરના સેક્ટર-4 એ વિસ્તારમાં કાળજું કંપાવનારી અને માનવતાને લાંછન લગાડતી કરૂણ ઘટના સામે આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરિણીત યુવકે પોતાની પ્રેમિકા સાથે મળીને અનૈતિક સંબંધમાં અડચણરૂપ બનતી પોતાની પત્નીને રૂમાલ વડે ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેને કુદરતી મોત કે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ ચકચારી મામલે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી આરોપી પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે.
મૃતકને ચાર સંતાન, પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી મૂળ વિરમગામ તાલુકાના શિયાળ ગામના રહેવાસી અને ખેતી કરી ગુજરાન ચલાવતા મેરૂભાઈ વાસણીયાએ ફરિયાદ નોંધાવી છે. મેરુભાઈના કાકા લવજીભાઈની દીકરી સંગીતાબેનના લગ્ન 2012માં ઓગણ ગામના રોહિતજી રમેશજી ઠાકોર સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેમને ચાર બાળકો છે, જેમાં 10, 8 અને છ વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાનો સમાવેશ થાય છે.
મોગલ લાઈબ્રેરીમાં પરિચય બાદ પ્રેમ પ્રકરણ પાંગર્યું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અર્થે રોહિત ગાંધીનગર આવી ગયો અને તેની પત્ની સંતાનો સાથે વતન રહેતી હતી. રોહિતજી ગાંધીનગરના સેક્ટર-2માં આવેલી મોગલ લાયબ્રેરીમાં વાંચવા માટે જતો હતો, તે અરસામાં દાહોદના ફતેપુરા તાલુકાના ગઢડા ગામની વર્ષા પણ ત્યાં અભ્યાસ અર્થે આવતી હતી. આ પરિચય ધીમે-ધીમે ગાઢ પ્રેમસંબંધમાં પરિવર્તિત થયો અને બંનેએ ભવિષ્યમાં સાથે જ રહેવાનું નક્કી કરી લીધું હતું.

