Gujarat

માત્ર ₹8,000ના કમિશન માટે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું

સુરત શહેરમાં શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકી સામે સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. પોલીસે 27,00,000/- ની ઓનલાઇન ઠગાઈના ગંભીર ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી બે મુખ્ય સાગરિતો સમીરખાન સબ્બીરખાન પઠાણ (ઉંમર વર્ષ 30) અને મોહમદ જુનેદબાબા અસરફભાઈ શેખ (ઉંમર વર્ષ 31)ને ઝડપી લીધા છે.

સુરતના ફરિયાદીને ટાર્ગેટ બનાવી ગુનો આચરનારા આ બંને આરોપીઓ સામે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS તેમજ IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.

વોટ્સએપ પર બોગસ લિંક મોકલી ટ્રેડિંગ કરાવી 27 લાખ ટ્રાન્સફર કરાવ્યા આ આખી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો અને એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી તેમાં નવું આઈડી બનાવડાવ્યું હતું.

શેર ટ્રેડિંગમાં ખૂબ મોટું વળતર મળશે તેવી ખાતરી આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 27,00,000/- જેટલી રકમ જમા કરાવી લીધી હતી. ફરિયાદી જ્યારે પોતાના નફા અને મૂળ રકમનું વિડ્રોઅલ કરવા ગયા ત્યારે રકમ ઉપાડવા ન દઈ આખી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું.