વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કિશનવાડીના શાસ્ત્રીનગરનો રહેવાસી હિતેશ પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે ફરીથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હિતેશને તેની પત્ની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવી હતી. તાત્કાલિક સારવાર વિભાગમાં NCOT સર્જરી હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હિતેશ ત્યાંથી ભાગીને હોસ્પિટલની ઇમારતના ચોથા માળે પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. હિતેશ ચોથા માળેથી નીચે પડતાં ત્યાં ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડ્યો હતો.
આ ઘટનામાં હિતેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશને પણ કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેના મણકા તૂટી ગયા હતા. ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સ ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 33 વર્ષીય હિતેશે એક જ દિવસમાં બે વખત આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેનું કારણ હજુ અકબંધ છે. સમગ્ર ઘટનાને પગલે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હિતેશ માનસિક રીતે અસ્વસ્થ થઈ જતાં સવારે પોતાના હાથે બ્લેડ મારી નસ કાપી નાખી હતી. તેઓ પરિણિત છે અને તેમને એક પુત્રી પણ છે. તેઓ કોઈ કામ-ધંધો કરતા ન હતા. છેલ્લા બે દિવસથી તેઓ એવું કહેતા હતા કે “મારે ઘરમાં નથી આવવું, મને બે-ત્રણ જણા દેખાય છે”.

