Gujarat

નવસારી પોલીસે મહિલાઓની સુરક્ષા માટે ‘માઁ-સહાયક’ અભિયાન શરૂ કર્યું

નવરાત્રીમાં મોડી રાત્રે ગરબા રમી ઘરે ફરતી મહિલાઓ, યુવતીઓ અને બાળાઓની સુરક્ષા માટે નવસારી ટાઉન પોલીસે ‘માઁ-સહાયક’ અભિયાન શરૂ કર્યું છે. ગરબા સ્થળોથી એકલા ઘરે જવામાં ડર અનુભવતી મહિલાઓને આ સેવા હેઠળ પોલીસ સુરક્ષા સાથે ઘર સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ ચિંતા વગર ગરબા માણી શકે.

સેવાનો લાભ લેવા મહિલાઓ નવસારી પોલીસ સ્ટેશનના હેલ્પલાઇન નંબર 63596 26557 પર ફોન કરી લોકેશન જણાવી શકશે. કોલ કરતા જ પોલીસ તેમનો સંપર્ક કરશે.

મદદ માટે આવતા પોલીસકર્મી પાસે ઇન્સ્પેક્ટરના ફોટો અને ‘માઁ-સહાયક’ લખેલું આઈ-કાર્ડ હશે. સુરક્ષા માટે, આઈ-કાર્ડ અને વાહનના નંબરનો ફોટો પાડી સ્વજનને મોકલવો જરૂરી છે. પોલીસકર્મી આગળ કે પાછળ રહી સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડશે.

  • કોઈપણ સંજોગોમાં તમારે તે પોલીસ અધિકારી કે કર્મચારીના વાહન પર બેસવાનું રહેશે નહીં
  • પોલીસકર્મી માત્ર પોતાના વાહન પર જ તમારી સાથે રહીને તમને સુરક્ષિત ઘરે પહોંચાડશે
  • હેતુસર ઘર સુધી પહોંચ્યા બાદ, તે મહિલાએ ફરીથી પોલીસ સ્ટેશનના નંબર પર ફોન કરીને પોતે સહીસલામત ઘેર પહોંચી ગયાની જાણ કરવાની રહેશે