વાંસદા તાલુકાના ઉનાઈ ગામે હવે નવરાત્રીનો તહેવાર એક દિવસને બદલે નવ દિવસ સુધી ઉજવાશે. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની રજૂઆત બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માટે મંજૂરી આપી છે. અગાઉ ઉનાઈ ખાતે નવરાત્રીનું આયોજન માત્ર એક જ દિવસ માટે થતું હતું. વાંસદા ભાજપના પ્રમુખ સંજયભાઈ અને અન્ય કાર્યકર્તાઓએ આદિજાતિ મંત્રી નરેશભાઈને આ અંગે રજૂઆત કરી હતી.

મંત્રી નરેશભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું કે, ઉનાઈ માતાજી મંદિર દક્ષિણ ગુજરાતનું એકમાત્ર શક્તિપીઠ છે, જ્યાં લાખો ભક્તો આવે છે. તેમણે 11 થી 19 ઓક્ટોબર, 2026 સુધી 9 દિવસીય નવરાત્રી આયોજનની વિનંતી કરી હતી. આ મંજૂરી મળતા વાંસદા ભાજપ પરિવાર અને આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આદિજાતિ મંત્રીનો આભાર માન્યો હતો.

