Gujarat

ઉર્દૂ શાળાના શિક્ષકોને માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉર્દૂ માધ્યમની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ સુપરવાઈઝર સોએબ અજમેરવાલાની કથિત માનસિક હેરાનગતિ સામે વિરોધનો સૂર છેડ્યો છે. વલસાડમાં તાજેતરમાં જ કામના ભારણ હેઠળ શિક્ષકે આત્મહત્યા કરી લીધી હોવાની ગંભીર ઘટના બની હતી. આવી કોઈ દુઃખદ ઘટના સુરતમાં ન બને અને શિક્ષકોને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળે તે હેતુથી સુરત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા શિક્ષણ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવેદનપત્ર આપી તાત્કાલિક રજૂઆત કરાઈ છે.

‘રાજીનામું આપી દો’ કહી ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ શિક્ષકોએ કરેલી લેખિત રજૂઆતમાં સુપરવાઈઝર સામે માનસિક પ્રતાડના, અપમાન અને બિનજરૂરી નોટિસો ફટકારવાના સંગીન આક્ષેપો કરાયા છે. “રાજીનામું આપી દો”, “પગાર કાપી લઈશ” અને “કચેરીના આંટા મરાવીશ” જેવી ધમકીઓ આપી શિક્ષકોનું મોરલ તોડી પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, સરકારના નિયમો બહાર જઈને અલગ-અલગ ફોર્મેટમાં બિનજરૂરી રિપોર્ટ મંગાવવા, મહિલા શિક્ષકો સાથે અયોગ્ય વર્તન કરવું અને રજા પર રહેલા શિક્ષકોને બોલાવી પરેશાન કરવા જેવી મનસ્વી કામગીરીથી સમગ્ર શૈક્ષણિક વાતાવરણ ડહોળાયું છે.

રાહુલ ગવાણેનું નિવેદન: ‘કામગીરીને ટોર્ચરનું રૂપ અપાતાં શિક્ષકો ત્રસ્ત’ ટીચર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ રાહુલ અંકુશ ગવાણેએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,”હાલમાં જ વલસાડમાં કામગીરીના દબાણથી એક શિક્ષક સાથીએ આત્મહત્યા કરી લીધી છે. સરકાર ક્યારેય કોઈના પર દબાણ નાખતી નથી, પરંતુ કેટલાક અધિકારીઓ કામગીરીને ટોર્ચરનું રૂપ આપી દેતા હોય છે. ઉર્દૂ માધ્યમના સુપરવાઈઝરે દરેક કામગીરીને ત્રાસનું માધ્યમ બનાવી દીધું છે અને વધારાની કામગીરી માંગી શિક્ષકોને ધાકધમકી આપે છે. વલસાડ જેવી ઘટના સુરતમાં ના બને તે માટે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ.”