જામનગરના લીમડા લેન, પટેલ ચોક સ્થિત શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ આ વર્ષે સ્થાપનાનાં 66મા વર્ષમાં પ્રવેશ્યું છે. પરંપરાગત રાસ-ગરબા, દુહા-છંદની ગાયકી અને ધાર્મિક-ઐતિહાસિક પાત્રોની વેશભૂષા મંડળની આગવી ઓળખ છે. મંડળની પરંપરા રામાણી પરિવાર સાથે જોડાયેલી છે. સ્વ. ભાણજીભાઈ સંઘરાજભાઈ રામાણી અને તેમના બંધુઓ વર્ષ 1947માં જામનગર આવ્યા બાદ નવરાત્રિ ઉજવણીની પરંપરા શરૂ કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોના સહકારથી પટેલ ચોકમાં મંડળની સ્થાપના થઈ હતી.
ગરબીમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ, શિવજી, હનુમાનજી, રાવણ અને છત્રપતિ શિવાજી સહિતનાં પાત્રોની વેશભૂષામાં યુવકો ડાંડિયા રાસ રમે છે. વિસ્તારના મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી પરિવારો પણ આયોજનમાં સહભાગી બને છે. આઠમના દિવસે વૈદિક યજ્ઞ યોજાય છે. વર્ષ 1995, 1996 અને 1998માં શ્રેષ્ઠ શિસ્તની સ્પર્ધામાં વિજેતા બનેલા મંડળે 2008માં નિર્મળ ગરબા મેદાન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સ્વૈચ્છિક સહયોગથી ચાલતું આ મંડળ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરી રહ્યું છે.

