Gujarat

જામનગરમાં નવરાત્રીના તહેવાર ટાંકણે જ વીજતંત્રનું સઘન ચેકીંગ

જામનગરવાસીઓ નવરાત્રીના પર્વની ઉજવણી અને ભક્તિમાં લીન છે, ત્યારે જ જામનગર વીજ તંત્રને સુરાતન ચડતાં પ્રજાજનો અને વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સામાન્ય દિવસોમાં વીજ ધાંધિયા કે માળખાકીય ખામીઓ તરફ આંખ આડા કાન કરતું વીજ તંત્ર તહેવારના ટાણે જ ચેકિંગના નામે પ્રજાને હેરાન કરવા મેદાનમાં ઊતર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં ગુરૂવારે પીજીવીસીએલની જુદી જુદી ટીમોએ શહેરના કાલાવડ નાકા બહાર, નાગનાથ ગેઈટ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકીને વીજ ટુકડીઓએ ઘેરાબંધી કરી દરોડા પાડ્યા હતા. ભયમુક્ત વાતાવરણમાં તહેવાર મણવાને બદલે લોકોમાં પોલીસ અને વીજ ટીમોના ધાડેધાડા જોઈ ફફડાટ વ્યાપી ગયો હતો.

વીજ તંત્રએ માત્ર શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારો તેમજ પડોશી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથકો અને ગામડાઓમાં પણ ચેકિંગના નામે કડક વલણ અપનાવ્યું છે. તહેવારોના દિવસોમાં જ આ પ્રકારની સઘન કાર્યવાહીથી ખેલૈયાઓ, ગરબા આયોજકો અને નાના વેપારીઓ પર વીજ કાપ અને દંડની તલવાર લટકતી થઈ ગઈ છે. તંત્રની આ અણઘડ સમય પસંદગી સામે લોકમુખે ભારે ફિટકાર વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં તંત્ર દ્વારા 105 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ દર્શાવી આકરો દંડ ફટકારતાં લોકોમાં ફાળ પડી છે.