વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સાયબર ઠગબાજોએ FASTag સર્વિસના નામે વોટ્સએપ પર APK ફાઈલ મોકલી મહિલાનો મોબીલ હેક કરી લીધો હતો. ત્યારબાદ કેનેરા બેંકના બચત ખાતામાંથી 1 જ દિવસમાં 3 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.3.89 લાખ ઉપાડી લીધા હતાં. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર નોંધાવી છે. ગૂગલ પે ચાલતાં બેંક પહોંચતાં ફ્રોડનો ખુલાસો ગોરવા વિસ્તારમાં રહેતી 53 વર્ષીય મહિલા ગત 12 ઓક્ટોબરે ગૂગલ પે પર બેલેન્સ ચેક કરી રહી હતી ત્યારે બેલેન્સ ન દેખાતાં તે કેનેરા બેંકની ગોરવા શાખાએ પહોંચી હતી. ત્યાં સ્ટેટમેન્ટ કઢાવતાં સામે આવ્યું કે 12 ઓક્ટોબરના રોજ પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં રૂ.2.19 લાખ, બીજામાં રૂ.1 લાખ અને ત્રીજામાં રૂ.70 હજાર મળી કુલ રૂ.3.89 લાખ ખાતામાંથી કપાઈ ગયા હતા.
વોટ્સએપમાં આવેલી APK ફાઈલથી હેકિંગનો પર્દાફાશ ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસે મહિલાના મોબાઈલની તપાસ કરતાં તેમાં FASTag Services.apk નામની જોખમી ફાઈલ મળી આવી હતી. તપાસમાં ખૂલ્યું કે ગત 14 જુલાઈના રોજ અજાણ્યા નંબર પરથી આ ફાઈલ વોટ્સએપ પર મોકલવામાં આવી હતી, જેના દ્વારા મોબાઈલ હેક કરી બેંક ખાતું ખાલી કરવામાં આવ્યું હતું. પોલીસે હાથ ધરી કાયદેસર કાર્યવાહી આ સમગ્ર મામલે પીડિત મહિલાએ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાણાં જે ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તે ખાતાધારકો અને હેકિંગમાં સંડોવાયેલા સાયબર ગુનેગારો સામે ઈ-એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

