Gujarat

વડોદરાના ફતેગંજ, કડક બજાર અને કમાટીબાગ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

વડોદરા શહેરમાં વાહન ચોરીના વધતા બનાવોને ડામવા માટે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે એક વાહનચોરને ઝડપી પાડ્યો છે. ફતેગંજ બ્રિજ, કડકબજાર અને કમાટીબાગ જેવા ભીડભાડવાળા વિસ્તારોના પાર્કિંગોને ટાર્ગેટ કરી કુલ 13 બાઈક ચોરી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી કુલ 2.60 લાખ રૂપિયાની કિંમતના વાહનો કબજે કર્યા છે.

અગાઉ વિદેશી દારૂના ગુનામાં ઝડપાયો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે તરસાલી આઈ.ટી.આઈ. રોડ પર વોચ ગોઠવીને એક શંકાસ્પદ બાઇક સવાર રાકેશકુમાર વસંત દરજી કે જે ભરૂચનો રહેવાસી છે તેને રોકવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે બાઇક કમાટીબાગ પાસેથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી અગાઉ વર્ષ 2020માં નિઝર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

આરોપી રાકેશકુમાર દરજી નાણાકીય શોખ પૂરા કરવા બાઈક ચોરી કરતો હતો. તે ફતેગંજ બ્રિજ નીચે, કડકબજાર અને કમાટીબાગ જેવા વિસ્તારોના પાર્કિંગોમાં મોટા પ્રમાણમાં પાર્ક થતા વાહનોને નિશાન બનાવતો હતો. તે ચોરી કરેલી બાઇક પોતાની હોવાનું, વાહનના હપ્તા ચઢી ગયા હોવાનું અથવા સગા-સંબંધીની હોવાનું ખોટું બહાનું ધરીને તેના પરિચિતો અને મિત્રોને સસ્તી કિંમતમાં વેચી દેતો હતો અને ગ્રાહકોને છેતરતો હતો.