સુરત જિલ્લા LCBએ પલસાણા નજીક મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-વે 4 પરથી 46.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે ટાટા ટ્રકમાંથી 26,400 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ટ્રક ચાલક દિનેશ હનુમાનરામ બિશ્નોઇ (ઉંમર 25) પકડાયો છે, જ્યારે છથી વધુ શખ્સો વોન્ટેડ છે.

LCB ટીમે બાતમીના આધારે ગંગાધરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટાટા ટ્રક MH-48-EC-0174 વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકી તપાસ કરી હતી. ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 26,400 બોટલ વ્હિસ્કી (કિંમત 26.40 લાખ રૂપિયા), 20 લાખ રૂપિયાનો ટાટા ટ્રક, એક મોબાઈલ ફોન અને 400 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. કુલ 46,50,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે પલસાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

