Gujarat

જામનગરમાં ૫૨ વર્ષીય પ્રૌઢે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

જામનગરના રણજીતસાગર રોડ પર રહેતા ૫૨ વર્ષીય ગોરધનભાઈ ગાંડુભાઈ તારપરાએ નાણાકીય વિવાદથી પરેશાન થઈ ઝેરી દવા પી લીધી. તેમને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસે અપમૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસની નોંધ મુજબ, ગોરધનભાઈની ઓળખીતા ધવલભાઈ રમેશભાઈ વસોયા અને આશીષભાઈ સાથે બ્રાસપાર્ટના વ્યવહારના પૈસા બાબતે લેતીદેતી ચાલતી હતી.

નવીનભાઈ ડોબરિયા સાથે ભંગારના વ્યવહાર અંગે પણ નાણાકીય લેતીદેતી હતી, જેના ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ધીરજભાઈ સોરઠિયા સાથે પણ તેમનો નાણાકીય વ્યવહાર હતો. આ તમામ નાણાકીય વ્યવહારોને કારણે ગોરધનભાઈ માનસિક તણાવમાં હતા, તેમ પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ વધુ તપાસ હાથ ધરી છે.