Gujarat

માર્ગ-મકાન વિભાગે ઇટાળવા ગામનું ગેરકાયદે પ્રવેશદ્વાર તોડી પાડ્યું

નવસારી જિલ્લામાં એરૂથી સિસોદ્રા સુધીના ફોરલેન માર્ગના નિર્માણ કાર્યમાં અવરોધરૂપ ઇટાળવા ગામનું ગેરકાયદે પ્રવેશદ્વાર તોડી પાડવામાં આવ્યું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે આ કાર્યવાહી કરી. 76 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી વાહનવ્યવહાર સુગમ બનશે.

માર્ગના પહોળીકરણમાં આ પ્રવેશદ્વાર મુખ્ય અવરોધ હતો. વિભાગની ટીમે જેસીબીની મદદથી તેને હટાવ્યું. માર્ગની હદમાં આવતા અન્ય કેટલાક કાચા-પાકા ગેરકાયદે દબાણો પણ દૂર કરાયા.

એરૂ, ઇટાળવા અને સિસોદ્રા નવસારી શહેર તથા નેશનલ હાઈવેને જોડતો મહત્વનો માર્ગ છે. અગાઉ સાંકડા રસ્તા અને દબાણોને કારણે ટ્રાફિક જામ થતો હતો. આ પ્રોજેક્ટ પૂરો થતાં વાહનચાલકોનો સમય અને ઇંધણ બચશે.

દબાણ હટાવ્યા બાદ માર્ગ અને મકાન વિભાગે સ્થાનિક રહીશોને અપીલ કરી છે. વિભાગે જણાવ્યું કે, જાહેર માર્ગોમાં કોઈ ગેરકાયદે દબાણ ન કરવું. ભવિષ્યમાં આવા દબાણો સામે કડક કાર્યવાહી કરાશે.