કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં કુદરતી ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન કરી સરકારી નિયમોનો ભંગ કરનાર તત્ત્વો સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. વિંઝાણ ગામ નજીકના નદીપટ વિસ્તારમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને વહન સામે તંત્રએ ગુપ્ત રીતે કાર્યવાહી કરીને એક લોડર અને એક ડમ્પર જપ્ત કર્યાં છે.
જપ્ત કરાયેલાં બંને વાહનો સહિતના મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 30 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીને પગલે ખનિજ સંપત્તિની ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિંઝાણ નદીપટ વિસ્તારમાં નિયમોની વિરુદ્ધ સાદી રેતીનું ખનન કરવામાં આવતું હોવાની માહિતી ખાણ-ખનિજ વિભાગની તપાસ ટીમને મળી હતી. આ માહિતીના આધારે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારિયાના નેતૃત્વમાં વિભાગની ટીમે કાર્યવાહીનું આયોજન કર્યું હતું.
ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા લોકોને કાર્યવાહી અંગે અગાઉથી જાણ ન થઈ જાય અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય તે માટે ટીમ ખાનગી વાહન મારફતે વિસ્તારમાં પહોંચી હતી.

