અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અઠવાડિયા અગાઉ સાંજના સમયે વેપારીના કર્મચારીનું કારમાં અપહરણ કરી રૂ. 34.15 લાખની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવવાના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલની ધરપકડ કરી છે. આરોપીઓએ જીએસટી અને આંગડિયા પેઢીના અધિકારી હોવાની બોગસ ઓળખ આપી કાવતરું રચ્યું હતું. પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી ઓઢવ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે અન્ય સાગરીતોને પકડવા માટે તપાસ તેજ બનાવી છે.
ટીપ આપી રૂ. 5 લાખમાં લૂંટનું કાવતરું ઘડ્યું ગત 21 ઓક્ટોબરે કેતન પરીખ અને તેમનો સાથી વસ્ત્રાલથી બાપુનગર જઈ રહ્યા હતા ત્યારે રામરાજ્ય બ્રિજ પાસે સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમને રોકી જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી ધમકાવ્યા હતા.
ત્યારબાદ રોકડ ભરેલી થેલીઓ અને 3 મોબાઈલ લૂંટી બંનેનું અપહરણ કરી ગાંધીનગરના ધોળાકુવા પાસે છોડી ફરાર થઈ ગયા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી પ્રિતમે વિશ્વજીત ગોસ્વામી નામના શખ્સને રૂ. 5 લાખ આપવાનું નક્કી કરી વેપારીનો ફોટો અને વિગતો આપી લૂંટનું કાવતરું રચ્યું હતું.
અન્ય ફરાર સાગરીતોની શોધખોળ ચાલુ, આરોપી અગાઉ પણ વોન્ટેડ વિશ્વજીતે ખેડાના મહિપાલ સાથે મળીને આ લૂંટને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પકડાયેલો મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલ સાબરમતી વિસ્તારમાં વર્ષ 2025 માં નોંધાયેલા લૂંટ અને મારામારીના ગુનામાં પણ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી છે. ક્રાઈમ બ્રાન્ચે પ્રિતમની અટકાયત કરી છે અને ઘટનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ વિશ્વજીત તેમજ મહિપાલને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

