Gujarat

ખેડૂતો માટે દુષ્કાળ સહાય વધારવા અને દેવા-વ્યાજ માફીની ઉગ્ર માંગ

લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ગુરૂવો વિસ્તારના ખેડૂતોના પડતર અને ગંભીર પ્રશ્નો અંગે પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદન સુપ્રત કરાયું હતું. જેમાં સરકાર દ્વારા આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ જાહેર કરાયેલી સહાય અપૂરતી હોવાનું જણાવીને સરપંચ એસો.એ ખેડૂતોના હિતમાં તેમાં તાકીદે સુધારો કરવાની માંગ કરી છે.

આવેદનમાં સહાય રકમમાં વધારો કરવા માંગ કરાઇ છે.જેમાં જણાવાયુ છેકે, સરકાર દ્વારા હાલમાં નક્કી કરાયેલી પ્રતિ હેક્ટર દીઠ રૂા.8,500 સહાય ખૂબ જ ઓછી છે. ખેતીના મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચ સામે આ રકમ ઊંટના મોંમાં જીરા સમાન છે, જેથી આ સહાય રકમમાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.

જે સાથે સરકાર દ્વારા મહત્તમ બે હેક્ટરની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે તેના પર પુનઃ વિચારણા થવી જરૂરી છે. આ મર્યાદાના કારણે મોટાભાગના મધ્યમ અને મોટા ખેડૂતો મોટી સહાયથી વંચિત રહી જાય છે. ખેડૂતોને આ કટોકટીમાંથી ઉગારવા માટે તેમનું તમામ કૃષિ દેણું સંપૂર્ણપણે માફ કરવામાં આવે સાથે જ ખેડૂતો પર ચડેલું લોનનું વ્યાજ પણ સંપૂર્ણ માફ કરીને તેમને વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.