કામરેજના ઘલા ગામના મુખ્ય માર્ગ પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં રાત્રે ફરતા દીપડાના પરિવારની અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. વન વિભાગે દીપડીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કામરેજના કરજણ અને ઘલા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા ખેતર અને ઝાડી-જંગલ વિસ્તાર છોડીને રાત્રે રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા હતા. ઘલા સાતગાળા વાળી માનવ વસાહત પાસે દીપડાના પરિવારની અવરજવર સ્થાનિકોએ જોઈ હતી.

સ્થાનિકોએ આ અંગે સરપંચને રજૂઆત કરી હતી. સરપંચે કામરેજ વન વિભાગને જાણ કરતાં વિભાગે પખવાડિયા પહેલાં પાંજરું ગોઠવ્યું હતું. વસાહત પાસે કુંડવાળી ગલી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં અઢી વર્ષની દીપડી ફસાઈ હતી. વન વિભાગના કર્મચારીઓ ઘલા પહોંચ્યા અને દીપડીને લઈ ગયા હતા.

