Gujarat

રાહુલ મંડલ ગેંગ સામે ગુજસીટોક હેઠળ સુરત પોલીસનો સકંજો

ગુનાખોરી ડામવા માટે સુરત શહેર પોલીસે કુખ્યાત “રાહુલ મંડલ ગેંગ” વિરુદ્ધ ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી ગુજસીટોક કાયદાની કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ બનાવી સામાન્ય જનતામાં ભય અને ત્રાસ ફેલાવતી આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિઓ પર પૂર્ણપણે અંકુશ મેળવવા પોલીસે આ કડક પગલું ભર્યું છે.

ભેસ્તાનમાં સતીષની કરાઈ હતી નિર્મમ હત્યા 5 ઓગસ્ટ 2026ના રોજ ભેસ્તાન સરસ્વતી આવાસ પાસેની ખુલ્લી જગ્યામાં સતીષ સુરેશભાઈ ઘાડગેની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. સતીષ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યો હતો ત્યારે આરોપીઓએ એકસંપ થઈ તેના પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું અને કુહાડી, કોયતા તેમજ ચાકુ જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઘટનાસ્થળે જ પતાવી દીધો હતો. આ ચકચારી બનાવ અંગે મૃતકના મોટાભાઈ હિતેશભાઈ ઘાડગેએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસમાં સંગઠિત ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ હત્યા કેસની શરૂઆતની તપાસમાં જ આ હત્યા પાછળ મોટું ગુનાહિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું હતું. અધિક પોલીસ કમિશનર સેક્ટર-2 મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઝોન-6 રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, કોર્ટના દસ્તાવેજો અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કર્યા હતા. જેમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર રાહુલ સોમનભાઈ મંડલે સાગરીતો અને સગીરો સાથે મળી એક સંગઠિત ગુનાહિત ટોળકી ઉભી કરી છે, જે હિંસા અને દહેશતના જોરે સુરતમાં ગંભીર ગુનાઓ આચરી આર્થિક લાભ મેળવતી હતી.