કીમમાં સગીર બાળકીના અપહરણના કેસમાં ચાર મહિનાથી ફરાર આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી પકડવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય એલસીબી અને કીમ પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસે હરિયાણાના આરોપીને કીમ પોલીસને સોંપ્યો છે. કીમ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 15 જૂન, 2026ના રોજ કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીર બાળકીનું અપહરણ થયું હતું. આ અંગે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 137(2) અને 87 હેઠળ ગુનો નોંધાયો હતો. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ ચાલી રહી હતી. આ માટે એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એલ. પટેલના નેતૃત્વમાં એલસીબી અને કીમ પોલીસની ટીમ વોચ અને પેટ્રોલિંગ કરી રહી હતી. એએસઆઈ હેમંતભાઈ બાવાભાઈ અને અનિલભાઈ રામજીભાઈને બાતમી મળી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશન પર છે.

