Gujarat

યુસુફ પઠાણને મફતમાં પ્લોટ આપવાના નિર્ણય સામે વડોદરામાં કોંગ્રેસ લાલઘૂમ, દરખાસ્ત રદ કરવા મોરચો માંડ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે કિંમતી પ્લોટ ફાળવવાના નિર્ણય સામે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ વિવાદાસ્પદ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે રજૂઆત કરી હતી કે, ભલે સ્થાયી સમિતિ દ્વારા આ પ્લોટ ભેટ આપવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી હોય પરંતુ, મ્યુનિસિપલ કમિશનરે પોતાના બંધારણીય વીટો પાવરનો ઉપયોગ કરીને આ દરખાસ્તને આગામી સામાન્ય સભામાં રજૂ થતી અટકાવવી જોઈએ.

‘યુસુફ પઠાણ પોતે જંત્રી ચૂકવવા તૈયાર હતા તો પછી જમીન ભેટ કેમ આપી?’ આવેદનપત્ર પાઠવતી વખતે કોંગ્રેસના નેતાઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, ખુદ યુસુફ પઠાણ જંત્રીના દર પ્રમાણે પ્લોટની નિયત રકમ ચૂકવવા તૈયાર હતા, તો પછી મહાનગરપાલિકાના શાસકોને આ જમીન ભેટ સ્વરૂપે લહાણી કરવાની જરૂર શા માટે પડી? કોંગ્રેસે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પાલિકાએ પ્રજાના પૈસે આવી મોંઘી ભેટો આપવાને બદલે શહેરના ગરીબો, આવાસ વિહોણા લોકો અથવા દેશ માટે શહાદત વહોરનાર શહીદોના પરિવારોને પ્લોટ ફાળવવા જોઈએ. જે વ્યક્તિ આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ છે અને નાણાં ચૂકવી શકે તેમ છે, તેમને મફતમાં પ્લોટ આપવાનો કોઈ તર્ક નથી.

‘સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે’: કોંગ્રેસ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણી સભ્ય આશિષ જોષીએ ભાજપ શાસિત પાલિકાની સ્થાયી સમિતિ પર આકરા ચાબખા મારતાં જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના તમામ સભ્યો જાણે ‘પઠાણ બંધુ’ બની ગયા હોય એવો પક્ષપાતી વ્યવહાર કરી રહ્યા છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં માગણી દોહરાવી છે કે શહેરીજનોના પરસેવાની કમાણીના કરવેરાના નાણાં અને પાલિકાની કિંમતી જમીનોનો આ પ્રકારે ખુલ્લેઆમ દુરુપયોગ તાત્કાલિક બંધ થવો જોઈએ અને આ વિવાદાસ્પદ દરખાસ્ત કાયમી ધોરણે રદ થવી જોઈએ.