અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસના આરોપીને સંબંધી ASIએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ સાબરમતી જેલમાં લઈ જવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈને ભગાડી મુક્યો હતો. જેમાં આરોપીની કોર્ટમાં મુદ્દત દરમિયાન તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે રામોલ પોલીસે ASI અને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીને કોર્ટમાં લઈ ગયા બાદ તબિયત લથડી હતી નરોડા પોલીસ સ્ટેશનના બળાત્કાર તથા અન્ય ગંભીર કલમો હેઠળનો આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કરની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલ્યો હતો. જ્યાં મુદ્દત હોવાથી પોલીસ જાપ્તા સાથે તેને 27 ઓક્ટોમ્બરે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં તેની તબિયત લથડતા અસારવા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર ચાલુ હોવાથી તેને લોકઅપ ગાર્ડમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન 29 ઓક્ટોબરે બપોરે ડૉક્ટરે તેને ડિસ્ચાર્જ આપ્યો હતો. નિયમ મુજબ તેને પૂરતા પોલીસ જાપ્તા સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પરત મૂકવા જવાનો હતો.
સંબંધી થતો હોવાથી રિક્ષામાં આરોપીને લઈ ASI નીકળ્યા જો કે, ફરજ પર હાજર ASI રાજેશ દયારામએ આરોપી પોતાનો સબંધી થતો હોવાનું જણાવીને અન્ય સ્ટાફને લીધા વગર એકલા જ તેને રિક્ષામાં બેસાડી સાબરમતી જેલ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ASI એ શરૂઆતમાં પોલીસ કંટ્રોલ રૂમમાં એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી નાસી ગયો છે.

