અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ક્રિસમસના તહેવાર દરમિયાન કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ કાંકરિયામાં દીપોત્સવ મહોત્સવ યોજવાની માગ ઉઠી છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી દિવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજથી લઈને લાભપાંચમ સુધી કાંકરિયા તળાવને લાખો દીવડાઓ અને આકર્ષક રોશનીથી શણગારવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકસંગીત અને જાણીતા કલાકારોના કાર્યક્રમો યોજવા માગ કરી છે.
શહેરના લોકો કાંકરિયામાં દિવાળીની ઉજવણીનો આનંદ માણી શકે એટલું જ નહીં કાંકરિયા કાર્નિવલની જેમ દિવાળી દીપોત્સવમાં પણ બાળકો અને પરિવારો માટે મનોરંજનના કાર્યક્રમો યોજવા અને તમામ નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક રાખવા કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીએ પત્ર લખ્યો છે.
આશરે 18 હજાર કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદીઓને દિવાળીની ભેટ તરીકે આ પ્રકારનું આયોજન કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો દીપોત્સવ યોજાય તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પણ પોતાના શહેરમાં જ પરિવાર સાથે દિવાળીની ઉજવણીનો આનંદ માણી શકે તે માટે આ મહોત્સવ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ મનપા કમિશનરને પત્ર લખ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ બહાર ફરવા જતા હોય છે. જો અમદાવાદમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે તો અને તેમાં જે પણ અમદાવાદીઓ આવે તેમની ટિકિટ ફ્રી કરી નાખવામાં આવે તો બહાર અન્ય કોઈ સ્થળે જઈને દિવાળીની ઉજવણી કરવાના બદલે કાંકરિયામાં તહેવારની ઉજવણી કરી શકે.
દિવાળીથી લઈને લાભ પાચમ સુધી પાંચ કે છ દિવસ સતત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે અને અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવે. જેથી જે લોકો બહાર જઈ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે તે અમદાવાદમાં જ દિવાળીની ઉજવણી કરી શકે. જેથી અમદાવાદીઓને ખરા અર્થમાં દિવાળીની સાચી ભેટ મળી શકે.

