ભાડજ વિસ્તારમાં રહેતા એક જમીનના વેપારી સાથે ઓગણજ ગામની જમીનનો સોદો કરાવી આપવાના બહાને 4.70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 10 આરોપીઓએ એક જમીનના અસલી માલિકના ફેક આધારકાર્ડ તેમજ પાનકાર્ડ બનાવી, ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી અને નકલી ખેડૂતો ઉભા કરીને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ખોટા વ્યક્તિને જમીનના માલિક બનાવ્યાં ભાડજમાં રહેતા રશ્મિનભાઈ પટેલ જમીન લે-વેચનો ધંધો કરે છે. તેમની પાસે આશરે 10 મહિના પહેલા ધરમશી રબારી અને દિપક ત્રિપાઠી આવ્યા હતા. આ બંને વ્યક્તિઓએ રશ્મિનભાઈને ઓગણજ ગામમાં જમીન વેચવાની ઓફર આપી હતી. રશ્મિનભાઈને અગાઉથી પરિચિત હોવાથી દીપક અને ધરમશી પર ભરોસો કર્યો હતો. ત્યારબાદ આ બંનેએ રશ્મિનભાઈની મુલાકાત જમીનના મૂળ માલિકો તરીકે ખોટા વ્યક્તિઓ સાથે કરાવી હતી.
આરોપીઓએ ખોટા સાક્ષી તરીકે સહીઓ પણ કરી આરોપીઓએ જમીનના મૂળ માલિકો બળદેવભાઈ પટેલ, કાન્તાબેન, મીનલબેન અને હિતેન્દ્રકુમારના નામના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેઓએ બંધન બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવ્યા હતા.
રશ્મિનભાઈને વિશ્વાસમાં લઈને આરોપીઓએ આ બોગસ ખેડૂતોના નામે 30 એપ્રિલ, 2026 અને 6 મે, 2026ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તથા 19 જાન્યુઆરી, 2026ના રોજ નોટરી બાનાખત કરાવી આપ્યા હતા. આ વ્યવહારો પેટે આરોપીઓએ રશ્મિન પાસેથી બેંક ટ્રાન્સફર અને રોકડા મળીને કુલ 4.70 કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. આ દસ્તાવેજોમાં અન્ય આરોપીઓએ ખોટા સાક્ષી તરીકે સહીઓ પણ કરી હતી.

