વાસણામાં રહેતા અને બેંક ઓફિસર તરીકે નોકરી કરતા જીગીશાબેન પટેલ 30 સપ્ટેમ્બરે સવારે નોકરી પર ગયા હતા. સાંજે પરત આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું અને સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા સોનાની બૂટી, વીંટી, જુડા, પેંડલ, સિક્કા અને રોકડ મળી કુલ ₹1,20,000ની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ બનાવ અંગે જીગીશાબેને વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
શાહપુરમાં ઘરની તિજોરીમાંથી ₹2.60 લાખની ચોરી શાહપુરમાં રહેતા જીરાબેન દાંતણિયાના ઘરમાં 31 ઓક્ટોબરના રોજ રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. રાત્રે આશરે 3:00 વાગ્યે તેમના પતિ જાગ્યા ત્યારે ઘરમાં તિજોરી ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. તિજોરીમાં તપાસ કરતા સોનાની ચેન, બૂટી અને રોકડ સહિત ₹2,60,000ની મત્તા ગાયબ હતી. કોઈ જાણભેદુ વ્યક્તિ જ આ ચોરી કરી ગઈ હોવાની શંકા સાથે શાહપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં યુવકના નામે ફેક સોશિયલ મીડિયા આઈડી નવરંગપુરામાં PGમાં રહીને અભ્યાસ કરતા 19 વર્ષીય યુવકને તેની બહેને ફોન કરીને તેના નામના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે જાણ કરી હતી. યુવકે તપાસ કરતા તેના ફોટાનો ઉપયોગ કરીને કોઈ અજાણી વ્યક્તિએ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું, જે થોડા સમયમાં ડિલીટ થઈ ગયું હતું. ત્યારબાદ યુવકના નામે ફેક સ્નેપચેટ આઈડી પણ બનાવવામાં આવ્યું હતું. આ મામલે યુવકે અજાણ્યા શખ્સ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

