Gujarat

ઇચ્છાપોરના મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપાયો

સામાન્ય રીતે અસહ્ય દુખાવામાં તબીબી દેખરેખ હેઠળ અપાતી ‘ટ્રોસ્પાસ પ્લસ’ કેપ્સ્યુલનો સુરતમાં નશા તરીકે દુરુપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કેપ્સ્યુલમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, ડાયસાયક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન જેવા અત્યંત અસરકારક અને નિયંત્રિત ક્ષમતા ધરાવતા ઘટકો હોય છે. ડૉક્ટરના કાયદેસર પ્રિસ્ક્રિપ્શન વગર આ શક્તિશાળી ફોર્મ્યુલા ધરાવતી દવાઓનું વેચાણ કરવું કાયદાકીય ગુનો હોવા છતાં, યુવાનોમાં નશાની લત સંતોષવા માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા નફાખોરી ખાતર નિયમો નેવે મૂકીને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

મોરા ગામની ‘ગણેશ ફાર્મસી’ પર પોલીસ-ડ્રગ્સ વિભાગનો સપાટો ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી ‘ગણેશ ફાર્મસી’માં ડૉક્ટરની ચિઠ્ઠી વિના નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અપાઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ઝીલબેન ગામીત તથા પિનલબેન વાવૈયાને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પર સઘન ઇન્સ્પેક્શન કરતા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને રાખવામાં આવેલી ₹4,500ની કિંમતની કુલ 560 નંગ ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલ્સ મળી આવી હતી, જેને સ્થળ પરથી જપ્ત કરવામાં આવી હતી.

તપાસ બાદ લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી કરાશે દરોડા દરમિયાન ઝડપાયેલા દવાના જથ્થા સંદર્ભે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની કાયદેસર તપાસનો દોર સંભાળ્યો છે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવી હતી અને કયા ગ્રાહકોને ગેરકાયદે વેચવામાં આવતી હતી તેની તપાસ હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા નિયમભંગની તપાસ પૂર્ણ થયા બાદ ગેરરીતિ જણાઈ આવ્યેથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તેમજ સંચાલક વિરુદ્ધ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે તથા સ્ટોરનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.