જીલ્લાની ૪૯૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી યોગેશ ચૌધરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જૂનાગઢ જીલ્લાના તમામ નવ તાલુકામાં આવતી ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે એસ.સી એસ.ટી, ઓ.બી.સી, બિન અનામત અને મહિલા અનામત બેઠકોની યાદી સાથેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે પણ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને વિધીવત પ્રક્રિયા શરૂ થશે ત્યારે જિલ્લાની અલગ અલગ પંચાયતોમાં સરપંચ બનવાને લઈને જે તે કેટેગરીમાં ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
કલેકટરશ્રી ના આ જાહેરનામા મુજબ જૂનાગઢ તાલુકાની ૫૮, કેશોદ તાલુકાની ૫૩, માળીયા તાલુકાની ૬૮, માણાવદર તાલુકાની ૫૬, માંગરોળ તાલુકાની ૫૯, મેંદરડા તાલુકાની ૪૨, વંથલી તાલુકાની ૪૬, વિસાવદર તાલુકાની ૭૪ અને ભેસાણ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતો મળીને કુલ જૂનાગઢ જિલ્લાના ૦૯ તાલુકાની ૪૯૩ ગ્રામ પંચાયત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જે દિવસે ચૂંટણી જાહેર કરવામાં આવશે તે અંતર્ગત તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ની રોટેશન પદ્ધતિ નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જુનાગઢ તાલુકાની ૫૮ ગ્રામ પંચાયતોમાં પાદરીયા, ડુંગરપુર અને બગડું અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અને ચોકી શાખડાવદર અને માખીયાળા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે તેમજ શારીરિક-શૈક્ષણિક વર્ગની પછાત મહિલાઓ માટે જામકા, ખલીલપુર, મજેવડી સહિત ૮ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ અનામત રખાયું છે. તેવી જ રીતે બિન અનામત વર્ગની મહિલાઓ માટે બલિયાવડ, સેમરાળા, તોરણીયા સહિત ૧૮ ગ્રામ પંચાયતોનું પદ અનામત રાખવામાં આવ્યું છે. આ સિવાયની તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચનું પદ સામાન્ય વર્ગ માટે રખાયું છે.
માંગરોળ તાલુકાની ૫૯ પંચાયતો પૈકી સાત ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે, જે પૈકીની કોટડા, જુના ચિગરિયા, કરમદી અને લોએજ પંચાયત મહિલાઓ માટે તેમજ બાકી રહેતી સાત પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તાલુકાની પાંચ ગ્રામ પંચાયતો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે જેમાં સાંગાવાડા અને આરેણા મહિલાઓ તેમજ જરીયાવાળા, મકતુપુર અને દિવાસા અનુસૂચિત જન જાતિ માટે અનામત રખાઈ છે. તાલુકાની ૧૬ ગ્રામ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક વર્ગ માટે અનામત રાખવામાં આવી છે જે પૈકીની નવા કોટડા, લંબોરા, માનખેત્રા, મેખડી સહિત આઠ ગ્રામ પંચાયત મહિલાઓ માટે અને અન્ય આઠ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રખાઈ છે. તેવી જ રીતે ૩૧ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત જાહેર કરાઈ છે જેમાં નાંદરખી, વીરપુર, ભાટ ગામ, શીલ સહિત ૧૭ પંચાયતો મહિલાઓ માટે અને બાકી રહેતી ૧૪ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.
કેશોદ તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતો પૈકી જાેનપુર, ચાંદીગઢ, સરોડા અનુસુચિત જાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવ્યું છે. ઇસરા, નોજણવાવ, માણેકવાડા અને બાલાગામ અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરાયા છે. તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાયેલી બેઠકો પૈકી કરેણી મહિલા અને હાંડલા અનામત જાહેર કરાઈ છે. તેવી જ રીતે તાલુકાની ૧૪ ગ્રામ પંચાયતોની બેઠકો શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાહેર કરાઈ છે પૈકી ઇન્દ્રાણા, કેવદ્રા, મંગલપુર સહિત સાત પંચાયત મહિલાઓ માટે અને નાની ઘસારી, નુનારડા, પાડોદર સહિત સાત પંચાયતો અનામત રાખવામાં આવી છે. તો બિન અનામત વર્ગની સામાન્ય મહિલાઓ માટે શિમરોલી, અખોદડ, મઢડા, પ્રાસલી સહિત ૧૬ ગ્રામ પંચાયતો અનામત રાખવામાં આવી છે તો અજાબ, ડેરવાણ, એકલેરા સહિત ૧૭ બેઠકો બિન અનામત વર્ગ માટે જાહેર કરાઈ છે.
માળીયા હાટીના તાલુકાની ૬૮ ગ્રામ પંચાયતો પૈકી જલોદર, પાણીદ્રા અને વાંદરવડ અનુસૂચિત જાતિની મહિલાઓ માટે તેમજ ઈટાળી, જામવાળી અને દુધાળા અનામત રખાઈ છે. તેવી જ રીતે અનુસૂચિત જનજાતિની મહિલા માટે ખંભાળિયા અને ઘુમલી પંચાયત અનામત રખાઈ છે. તેવી જ રીતે તાલુકાની ૧૮ ગ્રામ પંચાયતો પૈકી શારીરિક અને શૈક્ષણિક વર્ગની મહિલાઓ માટે ગડોદર, જૂના જંગર અને જાનુડા સહિત નવ ગ્રામ પંચાયતો તેમજ કેરાળા, ખેરા સહિત ચાર ગ્રામ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રખાઈ છે. તેવી જ રીતે તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો પૈકી અવાણીયા, પાતળા, પીપળવા, સમઢીયાળા સહિત ૨૧ ગ્રામ પંચાયતો બિન અનામત વર્ગની મહિલાઓ માટે તેમજ અકાળા, ગીર, બાબરા, બરુલા, ભંડુરી સહિત ૨૧ ગ્રામ પંચાયતો બિન અનામત વર્ગ માટે અનામત રખાઈ છે.
માણાવદર તાલુકાની ગ્રામ પંચાયતો
માણાવદર તાલુકાની ૫૬ ગ્રામ પંચાયતો પૈકી ૧૦ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે જેમાં વડાળા, સુલતાનાબાદ સહિત પાંચ ગ્રામ પંચાયતો મહિલાઓ માટે તેમજ ચુડવા, જિલાણા, સરદારગઢ સહિત અન્ય પાંચ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે. તેવી જ રીતે તાલુકાની બોડકા ગ્રામ પંચાયત અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાઈ છે. શારીરિક અને શૈક્ષણિક વર્ગ માટે કુલ ૧૫ ગ્રામ પંચાયતો અનામત રખાઈ છે જે પૈકીની કોયલાણા, લીંબુડા સહિત સાત પંચાયતો મહિલાઓ માટે અને બાકી રહેતી ૮ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક વર્ગના પછાત ઉમેદવારો માટે અનામત રખાઈ છે. તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો પૈકી માંડોદરા, પાદરડી, ભલગામ, દડવા સહિત ૧૬ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અને બાકી રહેતી ૧૪ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રખાઈ છે.
મેંદરડા તાલુકાની ૪૨ ગ્રામ પંચાયતો પૈકી ૪ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રખાય છે. જેમાં પાતરામાં અને કેનેડીપુર મહિલાઓ માટે તેમજ નાજાપુર અને રાજાવડ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. ૪૨ ગ્રામ પંચાયતો પૈકી ૧૧ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં હરિપુર ઇટાળી અને ખડપીપળી સહિત પાંચ ગ્રામ પંચાયત મહિલાઓ માટે અને બાકી રહેતી ૬ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત જાહેર કરવામાં આવી છે. ૪૨ પૈકી ૨૭ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રખાઈ છે જેમાં મોટી ખોડીયાર, નાગલપુર, બરવાળા, સાસણ પંચાયત મળીને કુલ ૧૪ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગની મહિલાઓ માટે તેમજ બાકી રહેતી અમરગઢ, અમરાપુર, ભાલછેલ સહિત ૧૩ ગ્રામ પંચાયત સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.
ભેસાણ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતો પૈકી અનુસૂચિત જાતિની મહિલાઓ માટે જૂની ધારી, ગુંદાળી અને ગોરખપુર તેમજ ભેસાણ ગ્રામ પંચાયત અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તેવી જ રીતે ૧૦ ગ્રામ પંચાયતો પૈકી કરીયા, માલિડા, માંડવા સહિત પાંચ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે તેમજ પરબ, વાવડી, પાટલા અને પીપળીયા તડકા આ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતો પૈકી ૨૪ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે જેમાં હડમતીયા, વિશળ, ખંભાળિયા, ચુડા, ઉમરાળી, રાણપુર સહિત ૧૩ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અને બરવાળા, ચણાકા, ભાટગામ, સરદારપુર સહિત ૧૧ ગ્રામ પંચાયત સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.
વંથલી તાલુકાની ૪૬ ગ્રામ પંચાયતો પૈકી ૭ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે જેમાં થાણાપીપળી, ટીનમસ અને સુખપુર મહિલાઓ માટે તેમજ બરવાળા, ગાદોઈ, ખોરાસા અને શાપુર અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ માટે લુવાસર બેઠક અનામત રખાઈ છે. શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ ૧૨ ગ્રામ પંચાયતો અનામત રાખવામાં આવી છે જેમાં ખોખરડા, ખુભડી, મહોબતપુર સહિત ૬ પંચાયતો મહિલાઓ માટે અને નરેડી, નાવડા, નવલખી સહિત ૬ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. તાલુકાની ૪૬ પંચાયતો પૈકી ૨૬ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે જેમાં ઝાપોદર, બાલોટ, રાયપુર, સોનારડી, વાડલા સહિત ૧૪ ગ્રામ પંચાયતો મહિલાઓ માટે અને બાકી રહેતી ૧૨ પંચાયતો આખા, બંટીયા, ધંધુસર, ડુંગરી સહિત સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.
વિસાવદર તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતો પૈકી ૬ પંચાયતો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે જેમાં નાની પીંડાખાઈ, લીમધ્રા અને ઢેબર મહિલાઓ માટે તેમજ દાદર, લીલીયા અને ખંભાળિયા પંચાયત અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. તેવી જ રીતે પ્રેમપરા ગ્રામ પંચાયત અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ ૨૦ ગ્રામ પંચાયતો અનામત રાખવામાં આવી છે જેમાં ખાંભા, ગીર ખીજડીયા, લાલપુર સહિત ૧૦ ગ્રામ પંચાયત મહિલાઓ માટે અને બાકી રહેતી માંડાવડ, મોણીયા, મોણપરી નાની સહિત ૧૦ ગ્રામ પંચાયતો શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. તાલુકાની ૭૪ ગ્રામ પંચાયતો પૈકી ૪૭ ગ્રામ પંચાયતો સામાન્ય વર્ગ માટે અનામત રાખવામાં આવી છે જેમાં રબારીકા, રતાંગ, રૂપાવટી, વાજડી, અંબાડા સહિત ૨૪ પંચાયતો મહિલાઓ માટે અને બાકી રહેતી બરડીયા, ભલગામ, ચાંપરડા, ભૂતડી ૨૩ ગ્રામ પંચાયતો બિન અનામત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે.

