જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતો પ્રજાપતિ પરિવાર છેલ્લા 7 દાયકા (70 વર્ષ) અને 3 પેઢીથી પોતાની પ્રાચીન માટીકળાના અનોખા ઓજસ પાથરી રહ્યો છે. પ્રવિણભાઈ મોહનભાઈ ધૂળકોટીયા અને તેમના 2 પુત્રો આજે પણ આ માટીકળાની પરંપરાને જીવંત રાખીને અવનવા દિવડા, ગરબા અને માટીના વાસણો બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરે છે.
બદલાતા યુગ સાથે આ પરિવારે પોતાની કળામાં પણ આધુનિકતા અને નવતર પ્રયોગો ઉમેર્યા છે. આ વર્ષે દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને તેમણે 15થી વધુ નવી અને આકર્ષક ડિઝાઈનના દિવડા બનાવી ભઠ્ઠામાં પકવીને તૈયાર કર્યા છે. આ કલાત્મક દિવડાઓ રૂ. 1 થી લઈને રૂ. 25 સુધીના ભાવે જથ્થાબંધ તેમજ છૂટક વેચાણ માટે ઉપલબ્ધ છે.
પોતાના જૂના સ્મરણો વાગોળતાં પ્રવિણભાઈ જણાવે છે કે, જ્યારે તેમણે આ વ્યવસાયની શરૂઆત કરી હતી ત્યારે 5 પૈસામાં 3 દિવડા આપતા હતા. સમય સાથે માટીની બનાવટ અને માંગમાં ફેરફાર આવ્યો છે. સામાન્ય દિવસોમાં રસોઈ અને પાણીના વાસણોની બારેમાસ માંગ રહે છે, જ્યારે દિવાળી-નવરાત્રીમાં દિવડા અને ગરબાઓના મોટા પ્રમાણમાં ઓર્ડર મળે છે. પિતા-પુત્રોની આ મહેનત સૌરાષ્ટ્રભરમાં સંસ્કૃતિ અને રોશનીનો પ્રકાશ ફેલાવી રહી છે.

