Gujarat

જામનગરમાં તહેવારો ટાણે ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં

આગામી તહેવારો દરમિયાન શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને લોકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરભરમાં મિઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ઉત્પાદન એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના આદેશ અને રાજ્ય સરકારની સૂચનાઓના પગલે ફૂડ શાખાની ટીમોએ અચાનક તપાસ શરૂ કરી હતી.

16 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા ફૂડ સેફ્ટી વિભાગની આ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી મિઠાઈ અને ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોના કુલ 16 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં 6 એન્ફોર્સમેન્ટ અને 10 સર્વેલન્સ સેમ્પલનો સમાવેશ થાય છે. તમામ નમૂનાઓને નિયમ મુજબ પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ચેકિંગ દરમિયાન મિઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવા અને ડ્રાયફ્રૂટ્સની ગુણવત્તા ઉપરાંત ખાદ્યપદાર્થોમાં નિયત માત્રા કરતાં વધુ અથવા પ્રતિબંધિત ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્પાદન એકમોમાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા વેપારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

નિયમભંગ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી ફૂડ શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરી તપાસમાં કોઈ પણ ખાદ્યપદાર્થનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાવાળો અથવા અનસેફ એટલે કે અસુરક્ષિત જણાશે તો સંબંધિત વેપારી સામે FSSAI એક્ટ હેઠળ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કે ગુણવત્તા સાથે બાંધછોડ ન થાય તે માટે વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.