દિવાળીના તહેવારો પૂર્વે સુરત શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતાની વાસ્તવિક જમીની હકીકત સામે આવતાં મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે અધિકારીઓની કામગીરી સામે આકરા પ્રહારો કરીને ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.
હેલ્થ અને એન્જિનિયરિંગ વિભાગની મળેલી પખવાડિક બેઠકમાં કમિશનરે નબળી કામગીરી દાખવતા અધિકારીઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આખરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હાલ માત્ર સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ જો આગામી બેઠક સુધી તેનો ચુસ્તપણે અમલ નહીં થાય તો કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સીધાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. કમિશનરના આ આકરા વલણને પગલે પાલિકાના બેદરકાર અધિકારીઓ અને ઇજનેરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
નવા રીકાર્પેટ થયેલા ગોથાણ બ્રિજનો રોડ ગણતરીના દિવસોમાં ઉખડી ગયો બેઠક દરમિયાન ગોથાણ બ્રિજના રીકાર્પેટિંગમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના અભાવનો મામલો સૌથી વધુ ગાજ્યો હતો. ગોથાણ બ્રિજ પર રીકાર્પેટિંગનું કામ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ બેથી ત્રણ જગ્યાએથી રસ્તાનું ડામર-લેયર ઉખડી જતાં અને માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં કમિશનરે બ્રિજ સેલ સામે લાલ આંખ કરી હતી.
પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના વ્યય અને કામગીરીમાં થયેલી ખુલ્લી લોલંલોલ અંગે બ્રિજ સેલ પાસે કડક ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કમિશનરે તાત્કાલિક વિશેષ તપાસ કમિટીની રચના કરી છે અને ટૂંક સમયમાં રિપોર્ટ સુપરત કરવા કડક આદેશ આપ્યો છે.
ગાર્ડન વિભાગ અને ઝોન વચ્ચે જવાબદારીની ‘ખો-ખો’ શહેરમાં ગાર્ડન વિભાગની કામગીરી મુદ્દે પણ કમિશનરનો પિત્તો ગયો હતો. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સુરત શહેરમાં બ્યુટીફિકેશનના મોટા-મોટા બણગાં ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જમીન પર કશું જ દેખાતું નથી અને ઠેરઠેર ગાર્ડન વેસ્ટ તથા કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. ગાર્ડન વિભાગ અને વિવિધ ઝોનના અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળીને જાણે ‘ખો-ખો’ની રમત રમી રહ્યા હોવાની આકરી ટીકા તેમણે કરી હતી. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે કામગીરી સુચારુ રીતે ચલાવવા માટે જે પણ વધારાના સ્ટાફ કે જરૂરી મશીનરીની જરૂર હોય તેની તાત્કાલિક માંગણી કરી શહેરમાંથી ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવો.

