સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત આચરતી ટોળકી સામે સારોલી પોલીસે લાલ આંખ કરી છે. કાપડનો મોટો જથ્થો મંગાવી સમયસર પેમેન્ટ ન ચૂકવી કરોડો-લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ત્રણ અલગ-અલગ ગુનાઓમાં સારોલી પોલીસે અમદાવાદ ખાતેથી બે વેપારી અને એક કાપડ દલાલ સહિત કુલ ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
સારોલી સંગીની ટ્રેડ સેન્ટરમાં માંધાતા એન.એક્સ. નામે કાપડનો વેપાર કરતા દિનેશ નરસિંગ નારાયણ પાંડે સાથે આરોપી સલીમ ઐયુબભાઇ રમકડાવાલા (પ્રોપરાઇટર, સુપર આર્ટ – અમદાવાદ) તથા દલાલ ઉમેદસિંગ (માલિક, સ્વાંગીયા એજન્સી – જેસલમેર) દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મીઠી-મીઠી વાતો કરી વિશ્વાસ કેળવી 11 માર્ચ 2024ના રોજ ₹5,77,179ની કિંમતનો ફિનિશ્ડ કાપડનો માલ મંગાવ્યો હતો. ત્યારબાદ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના વાયદાઓ આપી છેતરપિંડી આચરતા સારોલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
સારોલી આર.આર.ટી.એમ.-02 માર્કેટમાં રામદેવ ટેક્ષટાઇલ ધરાવતા રોશનકુમાર મોહનલાલ રાઠીનો સંપર્ક અમદાવાદના દલાલ લાલજીભાઇ (ક્રુપા એજન્સી) અને વેપારી સદામ ખાન (પ્રોપરાઇટર, એફ.એમ. ક્રીએશન) દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તારીખ 10 ઓગસ્ટ 2024થી 5 ઓગસ્ટ 2025 દરમિયાન કુલ ₹11,75,590નો કાપડનો માલ ખરીદ્યો હતો. શરૂઆતમાં આંશિક પેમેન્ટ ચૂકવી વિશ્વાસ સંપાદિત કર્યા બાદ બાકી નીકળતા ₹5,50,077 આજદિન સુધી ન ચૂકવી વિશ્વાસઘાત આચર્યો હતો.

