ભાવનગર નજીક આવેલા નારી ગામના શખસે આશરે સાત વર્ષ પૂર્વે એક 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ ભાવનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષના સખત કારાવાસની સજા ફટકારી છે. અદાલતના આ કડક ફેંસલાથી સગીરાઓ પર અત્યાચાર આચરતા અસામાજિક તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ આચર્યું હતું દુષ્કર્મ સમગ્ર કેસની પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના નારી ગામે રહેતા 22 વર્ષીય સુરેશ ઉર્ફે સુખો શાર્દુલભાઈ મકવાણાએ તારીખ 30 જૂન, 2019ના રોજ વહેલી સવારે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેમની 14 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી તથા લગ્ન કરવાની ખોટી લાલચ આપી અપહરણ કરી લીધું હતું.
ત્યારબાદ સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં બદકામ કરવાના ઇરાદે તેની મરજી વિરુદ્ધ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ સંદર્ભે સગીરાના પિતાએ તારીખ 26 ઓગસ્ટ, 2019ના રોજ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
સ્પે. પોક્સો જજે પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી સજા સંભળાવી આ કેસ ભાવનગરના એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ એન.જી. દવેની અદાલતમાં સુનાવણી માટે આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાએ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને ધારદાર કાનૂની દલીલોને અદાલતે ધ્યાને લીધી હતી. સરકારી પક્ષ તરફથી ગુનો નિઃશંકપણે સાબિત થતાં અદાલતે આરોપી સુરેશ ઉર્ફે સુખા શાર્દુલભાઈ મકવાણાને કસૂરવાર ઠેરવી વિવિધ કલમો હેઠળ 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

