જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (JDCA) ની સિનિયર મહિલા ક્રિકેટર નેહા ચાવડાની વેસ્ટ ઝોન મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ મહત્વની ટુર્નામેન્ટમાં નેહા ભારતીય સ્ટાર ક્રિકેટર સ્મૃતિ માંધાનાની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઝોન ટીમ તરફથી રમતી જોવા મળશે. ચાલુ સિઝનમાં નેહાએ સૌરાષ્ટ્રની સિનિયર મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી હતી. તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે આ રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
21 નવેમ્બરથી કટક ખાતે યોજાશે સ્પર્ધા આંતર-ઝોનલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 21 નવેમ્બરથી ઓડિશાના કટક ખાતે યોજાનાર છે. નેહા 21 નવેમ્બરે પોતાની ટીમ સાથે જોડાશે અને ટુર્નામેન્ટમાં ભાગ લેશે. નેહા લાંબા સમયથી જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના જાણીતા કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ લઈ રહી છે. તેની આ સફળતા પાછળ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલો સતત સહયોગ અને ગુણવત્તાયુક્ત તાલીમ મુખ્ય આધારસ્તંભ રહ્યા છે.

સ્થાનિક અગ્રણીઓ અને રમતપ્રેમીઓએ પાઠવી શુભેચ્છા નેહા ચાવડાની વેસ્ટ ઝોન જેવી પ્રતિષ્ઠિત ટીમમાં પસંદગી થતાં જામનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ આલમમાં ખુશીની લહેર ફરી વળી છે. આ સિદ્ધિ બદલ JDCA ના હોદ્દેદારો, રમતપ્રેમીઓ અને સ્થાનિક મહિલા ક્રિકેટરોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ અગ્રણીઓએ આગામી કટક ખાતે યોજાનારી આંતર-ઝોનલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે નેહા ચાવડાને શુભેચ્છાઓ પાઠવી છે.

