Gujarat

કપડાં લેવા ગયેલા બે ભાઈઓ પાસે વેપારીએ પૈસા માંગતા મારા મારી કરી, ગુટકા લેવા પૈસા ન આપતા યુવકને છરી મારી દીધી

શહેરમાં નવા વર્ષના દિવસે પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો સામે આવ્યા છે. ખરા વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જ ઉધાર કપડા આપવા બાબતે દુકાનદાર સાથે બોલાચલીએ કરી બે ભાઈઓએ મારામારી કરી હતી. અમરાઈવાડી વિસ્તારમાં ગુટખા ખાવાના પૈસા માંગવા બાબતે યુવકને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા. ગોમતીપુર વિસ્તારમાં છોકરાઓને રમવા દેવા બાબતે પહેલી બોલાચાલીમાં યુવક દ્વારા તલવાર મારવામાં આવી હતી.

ખોખરા વિસ્તારમાં ભાઈપુરામાં રહેતા અને પ્રિયા ટોકીઝ પાસે કપડાની દુકાન ધરાવનારા દિલીપભાઈ સરોજ નવા વર્ષના દિવસે રાત્રે દુકાન પર હાજર હતા ત્યારે રાહુલ અને શ્યામ કાંબલે નામના બે ભાઈ દુકાને આવ્યા હતા. તેઓએ કપડાં લેવા છે તેવું કહ્યું હતું અને બે ટી-શર્ટ પસંદ કરી થેલીમાં પેક કરીને આપ્યા હતા પૈસા માંગ્યા ત્યારે પૈસા આપ્યા વિના ટીશર્ટ લઈને ચાલવા લાગ્યા હતા.

દુકાનની બહાર નીકળ્યા ત્યારે પૈસા આપવાનું કહેતા પૈસા પછી આપી દઈશ તેવું કહ્યું હતું. નવું વર્ષ હોવાના કારણે ઉધાર નહીં રાખવું એમ કહેતા શ્યામ ઉશ્કેરાઈ ગયો હતો અને લાફા મારી દીધા હતા. બાદમાં ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યા હતા. તેમજ તારા હાથ પગ તોડી નાખીશ એવી ધમકી આપી હતી. પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. જો કે તે પહેલા જ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુટકાના પૈસા ના આપતા છરી મારી દીધી શહેરના અમરાઇવાડી વિસ્તારમાં શ્રીનાથ નગરમાં રહેતા સેવક કુમાર તેમના ઘરની બહાર આવેલા પાનના ગલ્લા ઉપર મસાલો ખાવા ગયા હતા ત્યારે તેમના ઘર નજીક રહેતો સન્ની જયસ્વાલ ત્યાં આવ્યો હતો. ગુટકા ખાવાના પૈસા માંગ્યા હતા જેથી મારી પાસે પૈસા નથી એમ કહી ના પાડતા ગુસ્સે થઈ અને મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો.

આમતેમ બોલવાની ના પાડતા તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી અને માથાના ભાગે મારી દીધી હતી બૂમાબૂમ થતા યુવક અને તેનો ભાઈ તેમજ તેની બહેન પણ આવી હતી જેને પણ મારવા જતા વચ્ચે પડી છોડાવ્યા હતા જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.