જામનગર-કાલાવડ હાઈવે પર અલીયાબાડા ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારનું અચાનક ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈને માર્ગ પર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળકો સહિત છ લોકો ઘાયલ થયા હતા.
એક જ પરિવારના બે સભ્યોનાં કરુણ મોત મળતી માહિતી મુજબ, ઈકો કારમાં જાડેજા પરિવારના કુલ આઠ સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. નવા વર્ષના દિવસે જ પરિવારના બે સભ્યો ગુમાવતાં જાડેજા પરિવારમાં શોક અને કલ્પાંત છવાઈ ગયાં હતાં.

બાળકો સહિત છ મુસાફરો ઈજાગ્રસ્ત અકસ્મતમાં પ્રિયંકાબા અજીતસિંહ જાડેજા (ઉં.વ. 19), રંજનબા અજીતસિંહ જાડેજા (ઉં.વ. 50), મણિયાતાબા મયુરસિંહ જાડેજા (ઉં.વ. 3) અને સ્વંદીપસિંહ મયુરસિંહ જાડેજા (ઉં.વ. 7) સહિત છ મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માત થતાં જ આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડાયા બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ છ ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

