Gujarat

ગુજરાતમાં 3,839 કેસ પડતર, એક વર્ષ જૂના કેસોના નિકાલ માટે ત્રણ મહિનાની ઝુંબેશ

ગુજરાતમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિ અંગે ફરિયાદો નોંધાયા બાદ તેની તપાસ અને કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે તે અંગે રાજ્ય તકેદારી આયોગના 2026ના અહેવાલમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. આયોગ દ્વારા સોંપવામાં આવેલા તકેદારી સંબંધિત કેસોમાં 31 જુલાઈ, 2026ની સ્થિતિએ કુલ 3,839 કેસ પડતર હતા. ખાસ કરીને એક વર્ષથી વધુ સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ કરવા માટે રાજ્ય સરકારે 10 સપ્ટેમ્બરથી 9 ડિસેમ્બર, 2026 સુધી ત્રણ મહિનાની ખાસ નિવારાત્મક તકેદારી ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ દરમિયાન જૂના કેસોનો નિકાલ કરવા ઉપરાંત દરેક વિભાગને પોતાની હેઠળના કેસોની સમીક્ષા કરી જવાબદારી નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે.

એક વર્ષથી જૂના કેસોનો નિકાલ કરવાનો લક્ષ્યાંક તકેદારી આયોગના અહેવાલ મુજબ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલા કેસોમાં લાંબા સમયથી કાર્યવાહી બાકી રહેતી હોવાને કારણે ત્રણ મહિનાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ખાસ કરીને એક વર્ષથી વધુ સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. કેસનો નિકાલ થયા બાદ તેની વિગતો પણ આયોગને નિર્ધારિત ફોર્મેટમાં રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત દરેક વિભાગે પોતાના હસ્તકના પડતર તકેદારી કેસોની સ્વતંત્ર સમીક્ષા કરવાની અને એક વર્ષથી વધુ સમયથી કેસ પડતર રહેતો હોય તો તેના માટે જવાબદારી નક્કી કરવાનું પણ આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

2026ના અહેવાલમાં દર્શાવાયેલા 3,839 પડતર તકેદારી કેસોમાં તપાસ દરમિયાન અધિકારીઓ સામેના આક્ષેપો પુરવાર થાય તો તેમની સામે હળવીથી લઈને મોટી શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સિવિલ સર્વિસિસના નિયમો હેઠળ પગારવધારો કે બઢતી અટકાવવા, સરકારી નુકસાનની રકમ વસૂલવા, હોદ્દો કે પગારધોરણ ઘટાડવા ઉપરાંત ગંભીર કિસ્સામાં બરતરફી, સેવામુક્તિ અથવા ફરજિયાત નિવૃત્તિ સુધીનાં પગલાં લેવામાં આવી શકે છે. ભ્રષ્ટાચારના ગુનાના પુરાવા મળે તો ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉના તકેદારી આયોગના અહેવાલમાં પણ મોટી શિક્ષા, પેન્શન કાપ અને ફોજદારી કાર્યવાહી માટે ભલામણો કરવામાં આવી હતી. જોકે, હાલના 3,839 કેસમાં આ પ્રકારની કેટલી કાર્યવાહી થશે તે તપાસ અને અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.