UGVCL-ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં, પરસોનેલ ઓફિસર(PO)ની પોસ્ટ બાબતે આચરવામાં આવેલ બઢતી કૌભાંડનો વિગતવાર અહેવાલ 28 જૂને દિવ્યભાસ્કર ડીજિટલમાં પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ ઉક્ત બઢતી કૌભાંડને UGVCLના પૂર્વ એડિશનલ જનરલ મેનજર(AGM-HR) એ.સી.પ્રજાપતિના પત્રએ સમર્થન આપ્યું હતું, જેમાં, સરકારની પૂર્વ મંજૂરી વગર અયોગ્ય પદ્ધતિથી ઉભી કરેલી POની બે જગ્યાઓને રદ કરવા માટે થયેલ મિટિંગો, GUVNLની સૂચના અને 1 એપ્રિલ 2021નો પત્ર તેમજ તત્કાલીન MDની સલાહ મુજબ મુકેલ ગુપ્ત ફાઇલ ગાયબ કરાઈ હોવા અંગેના સનસનાટીભર્યાં ખુલાસા કરતાં પત્રનો અહેવાલ તા.8 ઓક્ટોબર, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયો હતો.
પત્ર લખાયા બાદ પણ તપાસનો આદેશ ન અપાયાનો આક્ષેપ UGVCLના પૂર્વ AGM-HR એ.સી.પ્રજાપતિએ આ પત્ર ઉર્જા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, GUVNLના MD, UGVCLના MD, PMOવગેરેને પણ મોકલ્યો હતો. આમછતાં, આ પ્રકરણની “તટષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વતંત્ર તપાસ” માટે કોઈ સ્પષ્ટ આદેશ થયા જણાતાં નથી. ફક્ત PMOPG મારફત મળેલ ઉક્ત રજૂઆત સામે UGVCLના હાલના AGM-HR વી.એચ.અસારીએ પૂર્વ AGM-HR પ્રજાપતિને ગોળ-ગોળ જવાબ લખ્યો છે.
જેમાં,2018માં સરકારના જ નિયમોને નેવે મૂકી, સરકારની પૂર્વમંજૂરી લીધા વગર, POની વધારાની નવી બે પોસ્ટ ઉભી કરી બારોબાર પ્રમોશન આપવા બાબતના ભ્રષ્ટાચાર અંગે પત્રમાં જણાવે છે કે, “વર્ષ 2018માં સંસ્થાના પ્રસ્થાપિત નિયમ અને પ્રણાલી તેમજ ડેલીગેશન ઓફ પાવરને ધ્યાને લઇ સક્ષમ અધિકારીની મંજૂરીથી પરસોનેલ ઓફિસરની જગ્યા જે તે સમયે મંજૂર કરવામાં આવેલ છે.”

