Gujarat

અમરાપુરમાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું

રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના અમરાપુર સ્થિત શૈક્ષણિક સંકુલમાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાંથી સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કોળી સમાજનાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કાર્યરત સંગઠનોના હોદ્દેદારો તથા આગેવાનો હાજર રહ્યા હતા.

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અને ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાધુ-સંતોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સ્નેહમિલનમાં સમાજની એકતા અને સંગઠન મજબૂત કરવા ચર્ચા થઈ હતી. સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા તેમજ શિક્ષણ, સામાજિક જાગૃતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા અંગે પણ વાત થઈ હતી.

સમાજનું રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રતિનિધિત્વ મજબૂત કરવા સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સંગઠિત રહેવા હાકલ કરી હતી.